બારડોલી: (Bardoli) રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા રવિવારે બારડોલી આવી પહોંચી હતી. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસનાં નેતા રાજ બબ્બર, જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગી અગ્રણીઓ બારડોલી આવ્યા હતા.
રાહુલગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સહભાગી થવા કોંગ્રેસના નેતા અને બોલિવૂડના અભિનેતા રાજ બબ્બર પણ બારડોલી પહોંચ્યા હતા. રાજ બબ્બરે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ભૂમિ છે. સરદાર પટેલે અહીંથી બારડોલી સત્યાગ્રહની લડાઈ લડી હતી. તે જ ઇતિહાસ ફરીથી દોહરાવવા માટે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને બારડોલી આવ્યા છે. સરદાર પટેલના આશીર્વાદ સાથે રાહુલ દેશના ન્યાયનું આંદોલન અને મહોબ્બતનું આંદોલન લઈને નીકળ્યા છે.
રાહુલ ગાંધી દિલ્હી જવાના હોય તેમના નિર્ધારિત કાર્યક્રમો રદ કરવા પડ્યા હતા. પોલીસ દ્વારા ક્યાંય પણ બેરીકેટિંગ કરવામાં આવી ન હોય રાહુલ ગાંધી તરફ લોકો ધસી આવ્યા હતા. લોકોની ભીડ બેકાબુ થતા જ રાહુલ ગાંધી એક જ મિનિટમાં આશ્રમમાંથી રવાના થઈ ગયા હતા. રાહુલ ગાંધીની લીમડા ચોક ખાતે કોર્નર સભા યોજાવાની હતી, તે રદ થતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.