અમદાવાદ: અદાણીની (Adani) શેલ કંપનીઓ છે જેમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ (Invest) કર્યું છે. આ નાણાં અદાણીના નથી, અદાણીનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ધંધો છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે, આ જે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા છે તે કોના છે? અને આટલી મોટી રકમ કોણ રોકાણ કરી રહ્યું છે? કોર્ટ અને સજા એ માત્ર બહાનું છે અદાણીને બચાવવા માટે રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યું છે, તેવું ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા એ જણાવ્યું હતું.
મોદી સરકાર અને અદાણીની ભ્રષ્ટાચારની મિલીભગતની પોલ એક પછી એક ખુલી પડી રહી છે, ત્યારે શેલ કંપનીના ૨૦૦૦૦ કરોડ કોના? તેવો પ્રશ્ન કરતા ડૉ. રઘુ શર્મા એ કહ્યું હતુ કે, રાહુલ ગાંધીના કેસનો ઘટનાક્રમ- ક્રોનોલોજી સમજવા જેવી છે. તા. ૭ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું, તારીખ ૧૬ ફેબ્રુઆરીએ ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો, તા. ૨૭મી ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ થઇ અને માર્ચની ૧૭એ જજમેન્ટ રિઝર્વ કરવામાં આવ્યું ને ૨૩મી માર્ચના જજમેન્ટ આવે છે.
ડૉ. રઘુ શર્મા એ જણાવ્યું હતું કે કોર્ટ અને સજા એ માત્ર બહાનું છે અદાણીને બચાવવા માટે રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યો છે. નીરવ મોદીનું ૧૪૦૦૦ કરોડનું કૌભાંડ, લલિત મોદીનું ૫૦૦ કરોડનું કૌભાંડ, મેહુલ ચોક્સીનું ૧૩૫૦૦ કરોડ કૌભાંડ, વિજય માલ્યાનું ૯૦૦૦ કરોડ કૌભાંડ, ગૌતમ અદાણી કૌભાંડ …આવા લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દેશની સંપત્તિને તેઓ લૂંટે છે અને લૂંટીને ભાગી જાય છે તે દેશદ્રોહી છે. તેની રક્ષા કરનારા દેશના દુશ્મન છે. અને આ તદ્દન સત્ય વાત છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની જનતાને સત્ય જાણવામાં રસ છે બીજી કોઈ વાત જાણવામાં રસ નથી. ભલે તેમને ગેરલાયક ઠેરવે, માર પણ પડે, જેલમાં પણ પુરી દે તેનાથી કોઈ ફરક પડતો નથી, તેઓ સત્ય માટેની તપસ્યા ચાલુ રાખશે. અમને ન્યાય વ્યવસ્થા અને ન્યાયતંત્ર ઉપર પુરેપુરો ભરોસો છે.