ઔરંગબાદના જૈન સમાજે એવો નિર્ણય કરેલ હોવાનું જાણવા મળે છે કે જે લગ્નનાં ભોજનમાં 6 કરતાં વધારે વાનગી હોય ત્યાં જમવું નહીં. તેનાથી આગળ વધીને અગ્રવાલ સમાજે એવો નિર્ણય લીધેલ છે કે લગ્નપૂર્વે કે લગ્ન પછાળ ડીજે સંગીત વગાડવું નહીં. એવું નથી કે આ બંને સમાજો આર્થિક સંકટથી ઘેરાયેલા છે. બંને આર્થિક રીતે પૂરતા સક્ષમ છે. આ નિર્ણયો સરાહનીય છે. આજકાલ લગ્ન સમયે ભોજનમાં એટલી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે કે જોઈને જ મન ભરાય જાય! ઝાઝા વાનગીઓનો ઝાઝો બગાડ જોઈને મન કટુ થઇ જાય છે.
ખરેખર લગ્નમાં માણસોની અને વાનગીઓની સંખ્યા કાયદાથી નિયત કરવાની જરૂર છે. ડીજે આજકાલ સ્ટેટસ સિમ્બોલ બનેલ છે. લગ્ન વરઘોડામાં જ નહીં ધાર્મિક યાત્રાઓ, કથા વખતે પણ ડીજેનું ઘોઘાટમય સંગીત વગાડવામાં આવે છે. તેનો અવાજ એટલો કાન ફાડી નાખે તેટલો મોટો હોય છે કે મકાનનાં બાકી બારણાં ધ્રુજી ઉઠે છે. પક્ષીઓ ફફડે છે. નવજાત શિશુઓ, વૃદ્ધ, બિમાર વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ માટે આ અવાજ નુકસાનકારક છે. પરીક્ષાર્થીઓ આવી અશાંતિમાં વાંચી શકતા નથી. ડીજે તેની સહ્ય ડેસીતલ માત્રા કરતાં વધુ માત્રમાં વગાડાય છે. તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોંઘવારી ભથ્થામાં વધારાનો હુકમ સત્વરે કરો
રાજ્ય સરકારે પોતાનું પગાર પંચ નિમવાના ખર્ચામાંથી બચવાના શુભ આશચથી રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનરોને કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનરો સમકક્ષ પગાર, પેન્શન તથા અન્ય લાભો આપવા નીતિ વિષયક નિર્ણયનો અમલ તા. 1-1-1086માં ચોથી પગાર પંચથી કરેલ છે. કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારીના ભાવાંકનો સમોક્ષા કરી જુલાઈ અને જાન્યુઆરી માસથી મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. ત્યારે ત્યારે રાજ્ય સરકાર તેનો અમલ તૂર્તજ કરતો હતો. પરંતુ જ્યારથી આ સરકાર આવી ત્યારથી તેનો અમલ વિલંબથી કરવો અને હપ્તા બાંધીને આપવું એવો નીતિ રહેલ છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2023થી તેના કર્મચારી, પેન્શનરોને મોંઘવારી ભથ્થાના 42 ટકામાં 4 ટકા વધારો કરી 46 ટકા કરેલ છે. તેનો અમલ આ સરકારે આજ દિન સુધી કરેલ નથી. જે દુ:ખદ બાબત છે. વધતી મોંઘવારીમાં રાહત આપવા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. જે ધ્યાને લઇ સરકારએ સહાનુભૂતિ પૂર્વકનો નિર્ણય સહારે લેવો જોઇએ.
સુરત – એન.ડી. ભામરે -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.