Business

અભિનંદન  કર્ણાટક અને આંધ્રપ્રદેશ

આપણા દેશમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યો દ્વારા બાળકોના સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને પ્રથમ બે રાજ્યો બનવાનું બહુમાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા દેશોએ પણ સોશ્યલ મીડિયા પર બેન મૂકીને સરાહનીય પગલું લીધું હતું. બંને રાજ્યો અને બંને દેશોના નેતાઓને અભિનંદન પાઠવું છું. બાળકો અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને  સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે કેમ એ આજ કાલ  ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ હોવો જોઈએ એની તરફેણ કરનારાઓ જણાવે છે કે બાળકોના માનસિક આરોગ્ય પર નકારાત્મક અસરો નહીં થાય તે માટે તથા એમના અભ્યાસમાં ખલેલ  નહિ પડે તે માટે એ પ્રતિબંધ જરૂરી છે. આજકાલ સોશ્યલ મીડિયામાં ટ્રોલિંગ અને સાયબર બુલિંગના બનાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે જેને પરિણામે બાળકો માનસિક તણાવ અનુભવે છે અને કેટલીક વખત નહીં કરવાનું એ કરી બેસે છે. 

બાળકો માટે  સોશ્યલ પ્રતિબંધ નહીં હોવો જોઈએ એ માટે એવી દલીલ કરવામાં આવે છે કે વર્તમાન ટેકનોલોજીના યુગમાં ડિજિટલ સાક્ષરતાનું શિક્ષણ આવશ્યક જ નહીં અનિવાર્ય પણ છે. અભ્યાસમાં સોશ્યલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ પણ થઈ શકે છે. આ રીતે તરફેણ  અને વિરુદ્ધમાં દલીલો થતી હોય છે. એવું લાગે છે કે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નહીં હોય તો વચલો ઉપાય  એ છે કે બાળકો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગની સમયમર્યાદા નક્કી કરવામાં આવે.  મા બાપ દ્વારા બાળકોનું કાઉન્સિલિંગ  કરીને સોશ્યલ મીડિયાના ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવે.

જો બાળકો વધારે પડતો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે તો તે ચોક્કસપણે નુકસાનકારક છે. સોશ્યલ મીડિયા સંપૂર્ણ રીતે ખરાબ નથી. એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો મિત્ર અને  ગાઈડની ગરજ પણ સારી શકે છે. બાળકો સોશ્યલ મીડિયાનો મર્યાદિત  ઉપયોગ કરે તે માટે માતા-પિતા અને  શિક્ષકોએ પણ સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ  ઉપયોગ કરવો પડશે તો જ એમના માર્ગદર્શનનો પ્રભાવ પડશે. સોશ્યલ મીડિયાના રેશનિંગ માટે મા-બાપ અને શિક્ષકોની ભૂમિકા સવિશેષ છે.
નવસારી           – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top