કોઈપણ ભરતીની પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થી કે ઉમેદવારની સાથે તેના વાલીઓ જતા હોય છે. બોર્ડની પરીક્ષાઓ ઉનાળામાં થતી હોય છે. શાળા કે કોલેજની અંદર નંબર આવે તેના મેઇન ગેટમાં વાલી માટે પ્રવેશ નિષેધ હોય છે, એટલે ગેટની બહાર તડકામાં ઊભા રહેવું પડે છે. પેપર છૂટે છે ત્યારે વાલીઓ પરસેવે રેબઝેબ હોય, બેસવાની તો શું કેટલીક શાળાઓ આગળ તો ઊભા રહેવાની પણ જગ્યા હોતી નથી.
તો દૂરથી આવેલા વાલીઓ માટે છાંયે બેસવાની સગવડ ના કરી શકાય? હવે તા.21/09/2025 ની કૃષિ યુનિવર્સિટીની જુનીયર ક્લાર્કની ભરતીની લેખિત પરીક્ષા હતી. તેમાં દક્ષિણ ગુજરાતના તમામ ઉમેદવારોના નંબર વડોદરાની આજવા તરફ એકાંતમાં આવેલી સિગ્મા યુનિવર્સિટીમાં આવ્યા. હજારોની સંખ્યામાં ઉમેદવારો વાલીઓ સાથે આવેલા. વરસાદની આગાહી હતી. કોઈ વાલી ગેટની અંદર જઈ શકતા ન હતા. ગેટ બહાર બેસવાની વ્યવસ્થા ન હતી.
નજીકમાં નાસ્તા કે જમવાની કોઈ કેન્ટીન ન હતી. સીટીબસની પણ વ્યવસ્થા ન હતી. સ્ટેશનથી રિક્ષા કે પ્રાઇવેટ વાહન મોંઘાભાવે કરવું પડતું. આજુબાજુ ખેતરો હતાં. બેસવાની જગ્યા ન હતી. વરસાદ પડયો. માંડમાંડ વાલીઓ ઊભા રહ્યા. હજારો ઉમેદવારોના વાલીઓને પશુ કક્ષાનો અનુભવ થયો. વાલીઓ બાળકની સલામતિ માટે સાથે આવે છે ચોરી કરાવવા નહીં. આ અંગે કંઈક વિચારાશે?
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.