નડિયાદ : ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શનિવારે નડિયાદ જી.આઇ.ડી.સી.માં મસાલા બનાવતાં એક યુનિટ પર દરોડો કરીને, ભેળસેળયુક્ત મસાલો અને કૃત્રિમ રંગ સહિતની વસ્તુઓ કબજે લીધી હતી. જોકે, આ યુનિટ ખરેખર કોનું છે ? અને આ યુનિટ ચલાવવા માટેની મંજુરી લેવામાં આવી હતી કે નહીં તેને લઇને હાલમાં નગરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શનિવારે નડિયાદ જી.આઇ.ડી.સી. માં મસાલા બનાવતી એક ફેક્ટરી – યુનિટ પર દરોડો કરવામાં આવ્યો હતો. આ યુનિટમાંથી તંત્ર દ્વારા ભેળસેળયુક્ત મસાલા, કૃત્રિમ રંગ કબજે લીધો હતો. તપાસમાં આ યુનિટ ભરતભાઇ બ્રહ્મભટ્ટનું હોવાની માહિતી મળી હતી. જે તે સમયે તંત્ર દ્વારા રૂ. ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કિ.ગ્રા. જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. મરચાં પાવડર, કૃત્રિમ રંગ અને મકાઇનો લોટ તંત્રએ જપ્ત કરી, સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.
જોકે, તંત્રના દરોડા બાદ આ યુનિટ કોનું છે ? તેને લઇને નગરમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. આ ઉપરાંત મંજુરી વગર ધમધમતા આ યુનિટ સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં નહોતી આવી તે બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા તપાસ ચાલી રહી હોવાનું જ રટણ કરવામાં આવી રહ્યું છે. આ મામલામાં મોટા માથાને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની વાતો પણ નગરમાં ચાલી રહી છે. એક યુનિટમાં ભેળસેળવાળા મસાલા તૈયાર કરી, તેને પેકિંગ માટે બીજા યુનિટમાં લઇ જઇ અને બ્રાન્ડના નામ સાથે તૈયાર કરી વેચવામાં આવતાં હોવાનો છૂપો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવે તો તથ્ય બહાર આવી શકે તેમ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
એકજ પ્રિમાઇસીસમાં બે યુનિટ ચાલે છે
જ્યાં દરોડો થયો ત્યાં એક જ પ્રિમાઇસીસમાં બે યુનિટ ચાલે છે. એક તરફ ભૂંગળા બનાવવામાં આવે છે તો બીજી તરફ ભેળસેળયુક્ત મરચાનું યુનિટ ચાલતું હતું. જોકે, દરોડા બાદ પણ ભૂંગળા બનાવવાની કામગીરી પ્રિમાઇસીસમાં ચાલી જ રહી છે. ભેળસેળવાળો મસાલો બનતો હતો તે યુનિટ બંધ છે.
ભરત યુનિટ ચલાવતા હતો કે તે જ માલિક ?
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા બાદ નગરમાં આ યુનિટને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં આ યુનિટ ભરત બ્રહ્મભટ્ટનું નહીં પણ અન્ય એક જાણીતા ઉદ્યોગપતિનું હોવાની અને ભરત બ્રહ્મભટ્ટ આ યુનિટ ચલાવતાં હોવાથી તેમનું નામ આગળ ધરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. જોકે, તંત્ર આ યુનિટ ભરત બ્રહ્મભટ્ટનું જ હોવાની અને આ વાત તેઓએ સ્વીકારી હોવાનું જણાવે છે. જોકે, આ સમગ્ર દરોડામાં મોટા માથાને બચાવવામાં આવી રહ્યાનો સૂર ઉઠ્યો છે.
યુનિટનું કોઇ લાઇસન્સ જ નથી
જે યુનિટ પર ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા તે યુનિટના લાઇસન્સ બાબતે પૂછપરછ કરતાં તંત્રના વિભાગીય કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઇ લાઇસન્સ કે મંજુરી ફુડ એન્ડ ડ્રગ વિભાગમાંથી લેવામાં આવી નથી. થોડા દિવસ પહેલાં જ આ યુનિટ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી છે, તપાસ ચાલી રહી છે.
મસાલા બ્રાન્ડના પેકિંગમાં વેચાતા હતા ?
ફૂડ અને ડ્રગ વિભાગે જ્યાંથી રંગમિશ્રિત મસાલાનો જથ્થો જપ્ત કર્યો હતો તે યુનિટમાં તૈયાર થતાં મસાલાનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું કે પછી તેને સ્થાનિક બ્રાન્ડનું નામ આપીને બજારમાં મૂકવામાં આવતું હતું તે દિશામાં યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.
રંગોથી કેન્સર જેવા ઘાતક રોગ થઇ શકે છે
નિષ્ણાંતોના મતાનુસાર, કૃત્રિમ રંગો અને રસાયણોનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યની ગંભીર પ્રકારની અસર પહોંચી શકે છે. કેન્સર અને અલ્સર સહિતની બિમારીઓ પણ આવા કૃત્રિમ રંગ અને રસાયણોની ભેળસેળવાળા મસાલા ખાવાથી થઇ શકે છે. બજારમાં વેચાતા મસાલાઓની ગુણવત્તા મામલે કોઇ સમાધાન ન કરવું જોઇએ.