અંકલેશ્વર: (Ankleshwar) વર્ષ 2021 માટે સોમવારે રજૂ થયેલા બજેટ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલે જણાવ્યું હતું કે બજેટ (Budget) શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ઉદ્યોગોને ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ક્રિટીકલ ઝોનમાંથી મુક્તિ આપી એ જ સૌથી મોટી રાહત છે. બાકી આ બજેટમાં કોઇ એવી રાહત ઉદ્યોગો (Industries) માટે જાહેર કરાઇ નથી. બજેટ અંગે અંકલેશ્વર વેપારી મંડળના પ્રમુખ અરૂણભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે ખરેખર આ વિકાસ લક્ષી બજેટ છે. લાંબા ગાળે એની સારામાં સારી અસરો ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે. વેપારીવર્ગ હોય કે તમામ વર્ગમાં આ બજેટમાં ખાસ કરીને સ્વાસ્થ્યની ઉપર જે ધ્યાન આપવામાં આવ્યું છે એ આવકાર્ય છે.
મહિલાઓને મહિલા નાણામંત્રીએ જ અવગણી: ભરૂચ જિલ્લા કોંગ્રેસની પ્રતિક્રિયા
બજેટ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફડવાલાએ જણાવ્યું હતું કે મહિલા નાણામંત્રી હોવા છતાં પણ આ બજેટમાં મહિલા સશક્તિકરણ કે મહિલાઓના ઉત્કર્ષ અને કોઈ જાહેરાત થઇ નથી આ ઉપરાંત ઇન્કમટેક્સના ફ્લેટમાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી. આ બજેટ ફક્ત ઉદ્યોગપતિઓ માટેનું જ બજેટ હોય એમ લાગી રહ્યું છે. દર વર્ષે સરકાર આ રીતે જ પ્રજાને છેતરી રહી છે.
બજેટ મહિલાઓ માટે સંપૂર્ણ આગળ આવવાની તક આપનારું છે: ભરૂચ જિલ્લા મહિલા ઉપપ્રમુખ
ભરૂચ જિલ્લા ખાતે મહિલાઓના ઉત્કર્ષ માટે અને સશક્તિકરણ માટે કાર્યરત એવા ભરૂચ જિલ્લા મહિલા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ફાલ્ગુની બેન પટેલે જણાવ્યું હતું કે આ બજેટ ખરેખર મહિલા સશક્તિકરણમાં સર્વોત્તમ યોગદાન આપશે એમાં શંકાને સ્થાન નથી. નાઇટ ડ્યુટી માટે પણ મહિલાઓને છૂટ આપવામાં આવી છે. વિકાસ અને વિશ્વાસ સાથેના આ બજેટમાં ખાસ તો મહિલાઓના સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પોષણ અને સ્વચ્છ જળ માટે જે યોજનાઓ આપવામાં આવી છે એ ખરેખર પ્રશંસનીય છે. આ બજેટ મહિલાઓનું જીવન સરળ બનશે.
બજેટ તદ્દન દિશાવિહીન, શિક્ષકો તેમજ મહિલાઓ માટે નિરાશાજનક: કોંગ્રેસ મહિલા અગ્રણી
આ બજેટ અંગે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ આગેવાન ધ્રુતા રાવલે જણાવ્યું હતું કે આ બજેટ તદ્દન દિશાવિહીન છે. મહિલાઓ માટે પણ કોઈ એવી મોટી રાહતો આપવામાં આવી નથી. મહિલા સુરક્ષા પ્રત્યે કોઈ ધ્યાન પણ આપવામાં આવ્યું નથી. ડિસઈન્વેસ્ટમેન્ટ સેક્ટરમાં પણ અંધાધૂંધ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખરેખર તો આ બજેટ પ્રજાને ગુમરાહ કરનાર બજેટ છે. આ બજેટથી કોઇને કોઇ જ લાભ થવાનો નથી. ખાસ કરીને મહિલાઓને તો કશું જ મળવાનું નથી.