સફળતા ભાગ્યને આધારે નહીં પરંતુ આત્મવિશ્વાસના આધારે પ્રાપ્ત થાય છે. પ્રભુના શબ્દો યાદ રાખજો “વિજેતાઓ કંઈ જુદું કામ નથી કરતા. એ કામને જુદી રીતે કરે છે.” આ વાત એક સત્યઘટનાથી સમજીએ. જાપાનમાં એક મહાન યોદ્ધો થઈ ગયો. જેનું નામ હતું નોબુનગા. એક વખત નોબુનગાએ પોતાનાથી ૧૦ ગણા મોટા સૈન્ય સામે લડાઈ કરવાનું નક્કી કર્યું. એને પોતાના સૈનિકો પર પૂરો વિશ્વાસ હતો કે સામેનું સૈન્ય સંખ્યાબળની દૃષ્ટિએ ભલે ૧૦ ગણું મોટું હોય આમ છતાં પોતે જીતશે. સૈનિકોને હજુ આ બાબતે વિશ્વાસ ન હતો. થોડી શંકા હતી પોતાના વિજય પર. નોબુનગાએ સૈન્ય સાથે કૂચ કરી. રસ્તામાં એક ધર્મસ્થાન આવ્યું. બધાને આ ધર્મસ્થાન પ્રત્યે ખૂબ આસ્થા હતી એ નોબુનગા સારી રીતે જાણતો હતો. એણે પોતાના સૈન્યને આ ધર્મસ્થાન પાસે ઊભું રાખ્યું અને સૈનિકોને સંબોધીને કહ્યું “હું મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરવા જાઉં છું. બહાર આવીને હું સિક્કો ઉછાળીશ જો છાપ પડશે તો આપણે જીતીશું અને જો કાંટો પડશે તો આપણે હારીશું. આપણે આપણી જાતને આપણા નસીબને હવાલે કરી દઈએ.’
નોબુનગા ધર્મસ્થાનમાં ગયો અને પ્રાર્થના કરી. બહાર આવીને સિક્કો ઉછાળ્યો. બધા જ સૈનિકો નાચવા લાગ્યા કારણ કે છાપ પડી હતી. બધા એક સાવ નવી જ ચેતનાથી ભરાઈ ગયા હોય એવું લાગ્યું. યુદ્ધ થયું અને નોબુનગાનું સૈન્ય વિજેતા થયું. વિજયસભાનું આયોજન થયું અને આ સભામાં નોબુનગાના એક ખાસ સૈનિકે કહ્યું “ભાગ્યને કોઈ બદલી નથી શકતું. આપણા ભાગ્યમાં જીતવાનું લખ્યું હતું અને આપણે જીત્યા.” નોબુનગાએ હસતા હસતા કહ્યું “ના, મિત્રો એવું નથી.” આમ કહીને પેલો સિક્કો બતાવ્યો જેમાં બન્ને બાજુ છાપ જ હતી.
આપણામાં આત્મવિશ્વાસ વધારવા માટે સકારાત્મક વિચારધારા ખૂબ જ આવશ્યક છે. જેમ શરીરમાં પ્રાણવાયુનું હોવું આવશ્યક છે, એટલું જ મહત્ત્વનું છે જીવનમાં આત્મવિશ્વાસનું હોવું ભલે કંઈ પણ થઈ જાય આત્મવિશ્વાસ કદાપિ ગુમાવવો નહીં. આત્મવિશ્વાસ વધારવા માટે છ મુખ્ય વાતને આપણે જીવનમાં દૃઢપણે ઉતારી લઈએ. સમર્થ સંકલ્પ સાથે એનું આચરણ કરીએ. પ્રથમ તો કોઈ પણ કામને માટે ના પાડશો નહીં. ભલે એ કામ તમને આવડતું હોય કે ન આવડતું હોય, પણ એ કામ માટે ઝંપલાવવું જરૂરી છે. ભલે નિષ્ફળ જઈએ, બીજી વખત, ત્રીજી વખત પરંતુ અંતે સફળતા અવશ્ય મળશે. બીજી વાત પોતાની સાથે વાત કરતા શીખો. “આ કામ હું જ કરી શકું છું, મારાથી જ થશે, હું નહીં કરું તો બીજું કોણ કરશે? પોતાની જાતમાં આત્મવિશ્વાસ કેળવો. હું સારું કામ કરી શકું છું અને પોતાને સાક્ષી બનીને એ કાર્ય કરતા નિહાળો.” અને ત્રીજી વાત છે : “તમને તમારા કાર્ય માટે જ્યારે આત્મવિશ્વાસની જરૂર હોય છે ત્યારે તમારા માતા-પિતા, શિક્ષક, મિત્ર અને શુભચિંતકો પાસેથી પ્રોત્સાહન મેળવો.” ચોથી વાત છેઃ
“નકારાત્મક વિચારોવાળી વ્યક્તિથી હંમેશાં દૂર રહો, જે તમને તમારા કાર્યમાં નિરુત્સાહી બનાવે, તમારું મનોબળ ઘટાડે, તમારી મજાક ઉડાવે એવી વ્યક્તિઓથી દૂર રહો. એમની વાતો ધ્યામાં લેશો નહીં.” પાંચમી વાત : “અસફળતામાંથી પણ પ્રેરણા મેળવી આત્મવિશ્વાસનો ધ્વજ હાથમાંથી છોડશો નહીં. અસફળતા આપણને શીખવે છે કે, મારામાં કંઈ કસર રહી ગઈ એમાં મારે ક્યાં પરિવર્તન લાવવાનું છે, એને માટે કઈ રીત અપનાવવી જોઈએ ?
આમ અસફળતા આપણને ઘણું બધું શીખવીને આપણા અનુભવમાં વધારો કરે છે.” અને છેલ્લે છઠ્ઠી વાત : જ્યારે જ્યારે આત્મવિશ્વાસથી કામ કરવાનું હોય છે ત્યારે આત્માનો પિતા પરમાત્મા – ઈશ્વરનો સહારો અવશ્ય લો. “પરમાત્મા મારો સાથી છે અને આ સમર્થ સંકલ્પ જ તમારામાં આત્મવિશ્વાસ ભરશે અને પરમાત્માને સાથે રાખીને કાર્ય કરશો તો એકદમ સરળ કાર્ય બની જશે એટલે જ ગવાયું છે કે “હિંમતે મર્દા તો મદદે ખુદા” અર્થાત્ આત્મવિશ્વાસથી જ પરમાત્મા તમને મદદગાર બનશે. તમે એક કદમ ઉપાડો પરમાત્મા હજાર કદમ તમારી સાથે રહેશે.
મિત્રો, આપણા રોજબરોજના જીવનમાં પ્રત્યેક સમર્થ સંકલ્પને જ પ્રવેશ આપો. નકારાત્મક વિચારોને દૂરથી જ નમસ્કાર કરો. સકારાત્મક વિચારોનું સ્વાગત કરો. ભલે બધું હારી જઈશ પરંતુ પરમાત્માએ વરદાનમાં આપેલ આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવીશ નહીં. આવી પ્રેરણા આપણે આપણા સ્નેહીજનોમાં, મિત્રમંડળમાં ભરતા રહીએ અને તેઓના પ્રેરણાસ્ત્રોતમાં વધારો કરતા રહીએ એ જ શુભકામના સાથે…