ના..ના…તમે બરાબર વાંચ્યું છે..! માણસના નહિ, મચ્છરના જ આત્માની શાંતિ માટે લખ્યું છે. મચ્છર હોય કે જિરાફ, હરણ હોય કે હિપોપોટેમસ, ભગવાને શરીર સાથે છૂપી પોલીસ મોકલ્યો હોય એમ, આત્મા તો રહેવાનો. આત્મા ને પરમાત્માના સંબંધ તો મચ્છર જેવા જીવડાને પણ હોય ને દાદૂ..? એવું થોડું કે માણસનો જીવ તે જીવ, ને, બાકીના જીવને વેન્ટીલેટરના પંપ હલાવતા હોય?
મર્યા પછી અમુક લાખ ફેરા કાઢવાના એટલે કાઢવાના. એમ, મચ્છરનો પણ આ એક ફેરો કહેવાય. કેટલામો ફેરો એ તો જાણે મારો ચમનચલ્લી…! જેવાં જેનાં કર્મો, તેવા તેના વિઝા..! મચ્છર હાથી જેવું મહાકાય નથી, પણ, મહાવત કરતાં પણ હાથી, મચ્છરાથી વધારે ડરે..! મચ્છરાની માયાજાળ કંઈ ઓછી નથી. હાથીમાં મોટો આત્મા, તો મચ્છરમાં ‘માઈક્રો’આત્મા તો હોય ને..? જે હોય તે, જિંદગીના ફેરા ફરવા ચગડોળના ફેરા જેવા ‘ઇઝ્ઝી’નથી. ચગડોળના ચાર ફેરામાં જ આંટે ચઢી જવાય, તો આ તો જનમ-જનમના ફેરા..! શું કહો છો રતનજી..?
બાકી, મચ્છર એટલે આળસુની ઔલાદ..! પોતાનું લોહી જાતે પેદા કરવાને બદલે, લોકોનું લોહી ચૂસીને જ જીંગાલાલા કરે..!.લોહી ચૂસવું એ જ એનું શ્રેય કાર્ય..! આ તો ગાંધીજી કહી ગયેલા કે, ‘અવેરે જ શમે વેર, ન શમે વેર વેરથી..!”એટલે દયા-ભાવ રાખીને સંગાથે રાખીએ. બાકી મચ્છરને તો ઓટલો પણ ચઢવા નહિ દેવાય..! પાકિસ્તાન છાશવારે ભૂંગળ વગાડે જ છે ને..? છતાં, સહન કરીએ જ છીએ ને, એમ સહન કરતાં રહેવાનું. પાકિસ્તાનને તો ભારત સાથે લોહીના પણ સંબંધ, મારે અને મચ્છરને તો પેઢીના પણ સંબંધ નહિ. મચ્છરના રામ રમી જાય તો, માથે મુંડન કરાવવાનો પણ સંબંધ નહિ..! આ તો, આપણે આપણા સંસ્કાર સંભાળવાના એટલે સહન કરીએ. મચ્છર ભલે લોહી ચોરી જતો હશે, બાકી તેનો બદલો લેવા માટે મચ્છરનું લોહી ચૂસવા માટે જીદે ચઢ્યો હોય એવું બન્યું નથી..!
જગતમાં બધા જ સ્વાર્થી હોતા નથી. કેટલાંક પરમાર્થી પણ હોય અને કેટલાંક જલ્લાદ પણ હોય. અમુક તો એવાં તોફાની કે, મચ્છરને લોહી પીવા દે, પણ રક્તદાન કેન્દ્રમાં લોહી જમા કરાવવાની વાત આવે ને, એનો આત્મા કકળે..! મારા મિત્ર ચમન ચલ્લીનું પણ એવું જ. ચમનચલ્લીનો મિજાજ એવો કે, મચ્છરને લોહી ચૂસવા દે, પણ, વાઈફ જો લોહી પીએ તો, મણ-મણની સંભળાવે . લેખનો વિષય શોધવાનો આવે ત્યારે લેખકના મગજ પણ ફેર-ફુદરડી ફરતા હોય. ‘લેખનો વિષય શોધવાના એવા ચરસી કે, “મચ્છરને માલિશ કરવાથી માંડી, કીડીને ઝાંઝર પહેરાવવા સુધીના કે હાથીને ખોળામાં બેસાડવા સુધીના વિષયો મગજમાં ભમતા હોય..! સારું છે કે, ‘હિપોપોટેમસ’ કૂતરાની જેમ ગલીમાં ભટકતા નથી. નહિ તો એના ઉપર પણ મહા નિબંધ ચીતરી નાંખે. લેખકોનું કામ જ એવું કે, જે, વિચારવાનું હોય તે અવશ્ય વિચારે, પણ નહિ વિચારવાનું હોય તે ચોક્કસ વિચારે..!
ચમનચલ્લીને એક દિવસ વિચાર આવ્યો કે, મચ્છરની પણ શોકસભા થવી જોઈએ..! અને વિખ્યાત ડોકટરના દવાખાના સામે એકાદ ‘મચ્છર-ચોક’ પણ, બનાવવો જોઈએ. ચોકમાં એવું પણ લખી શકાય કે, “લીજંડ રમેશ ચાંપાનેરીના વાઈફ ‘શૈલી’એ શરીર ઉપર ઝેરી દવાના લેપણ કરેલા હોવાથી, અનેક મચ્છરો શહીદ થયેલા, તેની સ્મૃતિમાં આ “મચ્છર- ચોક” તેમના સૌજન્યથી બનાવવામાં આવ્યો છે..! એટલું જ નહિ, મચ્છર ઉકલી જાય તો એના આત્માની શાંતિ માટે શોક્સભા પણ મળવી જોઈએ. પછી તો સ્વાભાવિક છે કે, શોકસભા મળે એટલે ભાષણો પણ થવાનાં. કારણ કે, ભાષણ એ નેતાઓનો ફળાહાર અને સરઘસ એ નેતાઓનો ખોરાક છે. ધારો કે, આવું થાય તો, મચ્છરને વાચા ફૂટતાં કેવાં ભાષણ થાય, એનો નમૂનો જોઈએ…!
(૧) “સજ્જનો અને સન્નારીઓ…! આજે આપણે સૌ, શ્રમજીવી મચ્છરોની શોકસભા માટે એકત્ર થયાં છીએ. એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી, હું જાહેરમાં અપીલ કરું છું..! (અપીલ..??) મચ્છરો માણસનું લોહી પી જાય છે, એ અફવા છે. એ રીતે લોકો આપણને બદનામ કરી રહ્યાં છે. આજે કોણ કોનું લોહી પીતું નથી..? લોહી પીવું કે ચૂસવું તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. જીવનનિર્વાહ માટે ઝઝૂમતો હોય ત્યારે, તેમના ઉપર ઝેરી દવાના છંટકાવ થાય છે. તેમનો વધ કરવામાં આવે છે. એ જોઇને મારું હૃદય દ્રવી ઊઠે છે. આપ જાણો છો કે, આજકાલ પંખા-ACનું ચલણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. જેને કારણે ‘હાઈપોથર્મિયા’ નો શિકાર બનતાં, લાખ્ખો મચ્છરો જાન ગુમાવી રહ્યા છે.
મને મળેલી જાણકારી પ્રમાણે આ શહેરમાં એક જ રાતમાં સરેરાશ ૫,૨૧,૨૩૭ મચ્છરોએ જાન ગુમાવ્યા એ કોઈ નાનો આંકડો નથી. કોઈને પણ આપણા માટે રહેમદિલી નથી. આપણા વસવાટો ઉપર બુલડોઝરો ફેરવવામાં આવે છે.આ પૃથ્વી કોઈ એકના ફાધરની નથી. ભગવાને દરેકને પૃથ્વી ઉપર રહેવાના અધિકાર આપ્યા છે. છતાં, આપણે રક્ષિત નથી. કારણ કે, આપણામાં સંગઠન નથી. માટે સૌને આ સંઘના સભ્ય થવા અપીલ કરું છું. જય ગટરનિધાન…!”(તાલિયા..!) (૨) પ્રદેશ નેતા શ્રી ગરનાળાકરે તો, ત્યાં સુધી કહ્યું કે, લોકોને આપણો વસ્તીવધારો દેખાય છે, પણ જનમદર કરતાં, આપણો મૃત્યુદર દિન પ્રતિદિન વધતો જાય છે. છાપાવાળા આવા સમાચારની નોંધ લેતા નથી. જો આ પરંપરા ચાલુ રહેશે તો, ડાયનોસોરની માફક મચ્છરોનું અસ્તિત્વ પણ ધરતી ઉપરથી નાબૂદ થઇ જશે. જય ગરનાળા…! (તાલિયા..!)
(૩) મચ્છર ઉત્ક્રાન્તિના વડા અને સંગઠન પ્રમુખ શ્રી ખાબોચિયાદાસે જણાવ્યું કે, માણસ ભલે આપણને તુચ્છ કે આતંકવાદી સમજે, પણ એમને ખબર નથી કે, અમારી પાંખોમાં જે પાવર છે, એવો કોઈ પાવર બાહુબલીમાં પણ નથી. GPS વગર અમે ધારેલાં નિશાન પાર પાડીએ છીએ. અમારી પાસે લોહીની પરખ છે. કોનું લોહી ટેસ્ટી છે, એની અમને જાણકારી છે. આવા કાબેલ સ્વજનોને ગુમાવ્યાનું હું દુ:ખ અનુભવું છું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. જય મચ્છર સમાજ..! (તાલિયા..!)
છેલ્લે એક વયસ્ક મચ્છરે પ્રતિભાવ આપતાં કહ્યું કે, આપણે સખણા રહેતા નથી, એનું આ પરિણામ છે. માણસોને જાગતા કે ઊંઘતા હેરાન કરવામાં આપણે કોઈ કસર રાખતા નથી. આપણા લીધે લોકોને મેલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે અને ફાયદો ડોકટરોને થાય છે. કારણ કે, એમનાં દવાખાનાં આપણા લીધે ચાલે છે. તેમ છતાં, તેઓ પણ આપણી કદર કરતા નથી. માણસો હજી સારા છે કે, આપણા ઉપર માનવવધના ગુના દાખલ કરતા નથી. મચ્છર મરી જાય ત્યારે દરેકને મચ્છરીનો વિલાપ દેખાય છે, પણ માણસ ઉકલી જાય ત્યારે, તેમની પત્નીની શી વલે થતી હશે? એ પણ વિચારવા જેવું છે..! આટલું કહ્યું તેમાં તો શાંતિ-સભા અશાંતિમાં ફેરવાઈ ગઈ..! એ વયસ્ક મચ્છર આજે પણ ICUમાં છે…! એના કપાળમાં કાંદા ફોડું…!
લાસ્ટ બોલ
મચ્છરીએ એના બાળકને પૂછ્યું કે, ‘ક્યાં ગયા હતા તમે..?’તો બાળ મચ્છરોએ કહ્યું, ‘મા, અમે બહાર બગીચામાં ફરવા ગયાં હતાં. લોકોએ તાળીઓ પાડી-પાડીને અમારું સ્વાગત કર્યું ત્યારે મચ્છરી બોલી બેટા..! એને સ્વાગત નહિ કહેવાય બેટા..! તમને મસળી નાંખવા માટે, ઝાપટ લગાવેલી કહેવાય. સારું છે કે તમે હેમખેમ પાછાં ઘરે આવી ગયાં..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.