સરકારશ્રીએ સાતમા પગાર પંચની મુદ્દત જાન્યુઆરી ૨૦૨૬માં થતી હોય આઠમું પગાર પંચ આપવામાં આવશેની જાહેરાત કરી, સાથે પંચના ચેરમેન અને અન્ય સભ્યોની વહેલી તકે નિયુક્તિ કરશેની જાહેરાત કરી હતી. પરંતુ બરાબર દસ માસ પછી શરતી ગઠનની જાહેરાત કરી, કદાચ દેશનું આ પ્રથમ જ શરતી પગાર પંચ હશે. સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળના કમિશનની ભલામણો જાન્યુઆરી ૨૦૨૬ થી અમલમાં આવશે.
કમિશન ૧૮ માસમાં તેનો અહેવાલ અને વચગાળાની ભલામણો રજૂ કરશે. પરંતુ આ ભલામણોને અંતિમ રૂપ આપતી વખતે, દેશની આર્થિક અને નાણાંકીય શિસ્તપાલન, વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી સંસાધનોની પ્રાપ્તિ, ફંડ વિનાની પેન્શન યોજનાઓનો ખર્ચ, રાજ્ય સરકારોની નાણાંકીય સ્થિતિ પર પડનારી અસર વગેરે બાબતો ધ્યાને લઈ અહેવાલ ૧૮ માસમાં આપવાનો રહેશે. કર્મચારીઓને વેતન વધારો દર દસ વર્ષે મોંઘવારી ભાવાંકના આધારે મળે છે.
મૂળ બેઝીક પગારમાં મોંઘવારી ભથ્થુ મર્જ થતા કે પંચ જાહેર કરે તે ફીટમેંટથી બેઝીક પગારને ગુણતા જે રકમ આવે તે નવો બેઝીક ગણાશે. પણ તેના ઉપર હાલ મળતું ૫૮ ટકા મોંઘવારી ભથ્થુ મળશે નહીં. તે શૂન્ય થઈ જશે. પ કે ૧૦ ટકાથી વધુ લાભની આશા નહિવત છે કેમ કે, આ તો શરતી પગાર પંચ છે. સરકારની સફળતાના સાચા અધિકારી, કર્મચારીઓને આપવા સરકાર કરકસર આગળ ધરે છે. જ્યારે કેટલાક બિનઉત્પાદકીય કામો, ઉત્સવોની ઉજવણી, જાહેરાતો, સાંસદો પાછળ કેટલો ખર્ચ કરે છે એ સૌ જાણે છે! અડાજણ, સુરત. એન. ડી. ભામરે – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.