નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના (Corona) નવા વેરિયેન્ટના (New Variant) લીધે વિશ્વ આખું ચિંતામાં મુકાયું છે. ભારતમાં (India) પણ ભય વ્યાપી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે સવારે આ મુદ્દે ચર્ચા કરવા ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. બીજી તરફ દિલ્હી (Delhi) સહિત દેશના તમામ એરપોર્ટ (Airport) પર એલર્ટ (Alert) જારી કરી દેવાયું છે. જોકે, એક રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હી એરપોર્ટ પર આજે સવારથી વિદેશથી આવતા તમામ યાત્રીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ ભારે જોખમ ધરાવતા દેશોમાંથી ભારત આવી રહેલાં નાગરિકોમાં કોરોનાના નવા વેરિયેન્ટના લક્ષણો જોવા મળ્યા નથી.
આ અગાઉ ગુરુવારે કેન્દ્ર સરકારે કોરોના નવા પ્રકારના વેરિયેન્ટ મુદ્દે એલર્ટ જાહેર કરી એવા નિર્દેશ આપ્યા હતા કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ (Hongkong) અને બોત્સવાના (Botswana) સહિત તમામ દેશોમાંથી આવતા નાગરિકોના કોરોના ટેસ્ટ ફરજિયાતપણે કરાવવા. કેન્દ્રએ કહ્યું છે કે જોખમની શ્રેણીના દેશોમાંથી આવતા મુસાફરોનો કોરોના RTPCR રિપોર્ટ એરપોર્ટ પર કરવામાં આવે. આ નિયમ હેઠળ, જનરિંગ્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરે ‘જોખમમાં’ દેશોમાંથી આવતા તમામ મુસાફરોની કડક તપાસ કરી હતી. આમાં, કોરોનાના નવા પ્રકારથી કોઈ મુસાફર સંક્રમિત જોવા મળ્યો નથી. જોકે, અત્યારે તમામ લોકોના જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે તેમનામાં નવું મ્યુટેશન છે કે કેમ. દિલ્હી એરપોર્ટ પર દરરોજ 15000 થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે, અત્યાર સુધી B.1.1.529 વેરિઅન્ટ માટે કોઈ કેસ મળ્યો નથી.
નવા વેરિયન્ટને હુએ ઓમીક્રોન નામ આપ્યું: કોઈપણ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે
સાર્સ-કોવી-2 વાયરસ વિકાસ પર ડબ્લુએચઓના (WHO) ટેકનિકલ સલાહકાર સમૂહની આજે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ પર બેઠક થઈ હતી. સમૂહે હુને સલાહ આપી હતી કે આને ‘ચિંતા ઉપજાવતો વેરિયન્ટ’ (વેરિયન્ટ ઓફ કન્સર્ન) તરીકે વર્ગીકૃત કરવામાં આવે. વેરિયન્ટ ઓફ કન્સર્નમાં અત્યાર સુધી એલ્ફા, બેટા, ડેલ્ટા સામેલ હતાં હવે તેમાં હવે ઓમીક્રોન (Omicron) સામેલ થયો છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાય છે, તેના કારણે વધુ ગંભીર બીમારી થાય છે અને તે વેક્સિનની અસર ઓછી કરે છે. ટેકનિકલ સલાહકાર સમૂહની ભલામણ બાદ હુએ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટને ‘ઓમીક્રોન’ નામ આપ્યું છે. WHOનું કહેવું છે કે અત્યાર સુધીમાં વેરિયન્ટના લગભગ 100 જીનોમ સિક્વન્સની જાણ કરવામાં આવી છે. તે નોંધવું યોગ્ય છે કે ઘણા ચેપગ્રસ્ત લોકોને સંપૂર્ણપણે રસી આપવામાં આવી હતી. આમાં એક ઇઝરાયેલી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેને રસીનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર સુધીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ સૂચવે છે કે નવો વેરિઅન્ટ ડેલ્ટા સહિત અન્ય કોઈપણ વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આનો પુરાવો એ છે કે જે લોકોને રસી આપવામાં આવી છે તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે. એવા સંકેત છે કે આ પ્રકાર સામેની રસીની અસરકારકતા પણ પ્રભાવિત થઈ શકે છે.
આ દેશોને ‘એટ રિસ્ક’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા
દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળી આવ્યા બાદ બ્રિટન, જર્મની, સિંગાપોર, ઈઝરાયેલ, ફ્રાન્સ અને ઈટાલીએ દક્ષિણ આફ્રિકાની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રએ શુક્રવારે કહ્યું કે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપના ઘણા દેશોને ‘જોખમ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
મોદીની બેઠકમાં રસીકરણ અને નવા વેરિયેન્ટ અંગે ચર્ચા
24 કલાકમાં દેશભરમાં 8,318 કેસ નોંધાયા છે. કોરોના કેસની ઓળખ કરવા માટે સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને દેશમાં રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસના કારણે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. પીએમ મોદી પણ કોરોનાને લઈને મીટિંગ કરી છે. આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસના નવા પ્રકાર, ઓમિક્રોનને લઈને કેન્દ્રીય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એવા દેશોમાંથી આવતા મુસાફરો પર વધુ ધ્યાન આપવું જોઈએ જ્યાંથી વેરિઅન્ટનું જોખમ વધારે હોય. આ ઉપરાંત, આ બેઠકમાં, તેમણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટછાટની ફરીથી સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો. આ મહિનામાં પીએમ મોદીની આ બીજી બેઠક છે. દેશભરમાં અત્યાર સુધીમાં 121.06 કરોડ કોરોના રસી આપવામાં આવી છે. આ સિવાય દેશભરમાં કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત 63.82 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પીએમ મોદી તેમની બેઠકમાં રસીકરણની સમીક્ષા કરશે અને અધિકારીઓ સાથે અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.