Business

કામરેજના યુવકને IndiaMart પર ઓનલાઈન હીરા વેચવાનું ભારે પડ્યું, જાણો કેવી રીતે છેતરાયો

સુરત: કામરેજના એક યુવકને ઓનલાઈન વેપાર માટે ઇન્ડિયા માર્ટ પર હીરાની માંગ મૂકવી ભારે પડી હતી. ત્રણ શખ્સોએ ગ્રાહક બની મળીને યુવકને હીરા બતાવવા બોલાવ્યા અને રૂ. 4.50 લાખના હીરા લઇ પૈસા થોડા સમયમાં આપવાની વાત કરી ભાગી ગયા હતા.

ઉમરા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ કામરેજના કઠોદરા ખાતે આવેલા શિવ પેલેસમાં રહેતો હેત જયસુખભાઈ માવાણી મોટા વરાછા આઇ.ટી પાર્કમાં આવેલી લેપડો ડાયમંડ નામની હીરાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

આ દરમિયાન તેમના ધ્યાન પર આવ્યું હતું કે લાલાજીભાઈએ લાલાજી જેમ્સના નામે ઈન્ડિયા માર્ટ નામની વેબસાઈટ ઉપર 50 કેરેટના સીવીડી ડાયમંડની રિક્વાયરમેન્ટ મૂકી હતી. જેથી હેત માવાણીએ લાલાજીભાઈનો સંપર્ક કર્યો હતો અને લાલાજીભાઈએ પ્રતિ કેરેટ રૂપિયા 7500 ના ભાવના હીરાની ડીલ કરી હતી.

તા. 14 જુલાઈ 2025ના રોજ લાલાજીભાઈના સાગરીત ભાવેશભાઈ અને એક અજાણ્યાએ હેત માવાણીને ઘોડદોડ રોડ પર કેમ્પસ મોલમાં આવેલ પુમાના શોરૂમ આગળ મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં ભાવેશ નામના ઇસમે હેત માવાણી પાસેથી રૂપિયા 4.50 લાખના હીરા લઈ ઓફિસમાં બતાવવા જાઉં છું કહીને લઈ ગયો હતો. ત્યારબાદ ભાવેશભાઈ તેમની સાથે એકટીવા બાઈક પર આવેલા અજાણ્યા ઈસમ સાથે હીરા લઈને નીકળી ગયા હતા.

બનાવ અંગે હેત માવાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top