સુરતમાં રવિવારે સાંજથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે આખુંય શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, તેમાં પણ કામરેજ વિસ્તારની હાલત ખૂબ કફોડી છે. ખાડી પૂરના પાણી અહીંની સોસાયટીઓમાં ફરી વળ્યા છે. કમર સુધીના ત્રણથી ચાર ફૂટ પાણી ઘરોમાં ભરાઈ ગયા છે. આખોય વિસ્તાર બેટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં પુલમાં ભંગાણ થતા રસ્તા પણ બંધ થઈ ગયા છે, બીજી તરફ પાલિકા તરફથી કોઈ મદદ ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે.
સુરતમાં 3 દિવસથી અરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખાડીઓના પાણી સોસાયટીમાં ઘુસી ગયા છે. ત્યારે નનસાડ રોડ કામરેજમા આવેલા ઓમ નગર સોસાયટી છેલ્લા 3 દિવસથી કમર સુધી પાણીમાં ગરકાવ છે. જે ખાડીની એકદમ નજીક છે. તેમના પૂલમાં ભંગાણ થયેલું છે. જે ઓમ નગરના રહેવાસી માટે એક જ રસ્તો છે. પૂલનું ગાબડું વધતું જાય છે. બીજો રસ્તો જે રાજેશ્વરી સોસાયટી વાળાઓએ બંધ કરી દીધો છે. ઓમ નગરના રહીશોને તકલીફમાથી ઉગારવા માટે લોકો આજીજી કરી રહ્યાં છે.
ખાડીપૂરના લીધે શહેરના આ વિસ્તારોની હાલત કફોડી
સુરત શહેરમાં ગઈ તા. 23 જૂનની સવારે 6 વાગ્યાથી લઈ 24 જૂનના બપોરના 12 વાગ્યા સુધીમાં એટલે કે 30 કલાકમાં 17 ઇંચ વરસાદ વરસ્યો હતો. દરમિયાન સુરત જિલ્લાના ગામડાંઓમાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો. તેના પગલે તાપી નદીનું લેવલ વધતા સુરત શહેરની અંદરથી પસાર થતી અલગ અલગ ખાડીઓના લેવલમાં પણ વધારો થયો હતો. જેના કારણે સુરતના સીમાડા, પર્વત પાટીયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લિંબાયત વિસ્તારમાં ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાયા. સૌથી વધુ હાલત સણિયા હેમાદની જોવા મળી હતી.