આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો તે સમયે તેને એક સરળ સીસ્ટમ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને વેપારીઓને વિવિધ ટેક્સની ગણતરીની કડાકૂટમાંથી મુક્તિ મળશે. પરંતુ આ કાયદામાં દિવસે દિવસે સુધારા કરવાની નોબત ઉભી થઈ છે અને ચાર વરસમાં 354 નોટીફિકેશન, 156 સર્ક્યુલર બહાર પાડવા છતાં હજુ સુધી ઠરીઠામ થયું નથી.
દેશભરમાં વન નેશન, વન ટેક્સ નીચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કર્યાના આજે ચાર વરસ થશે. પરંતુ હજુ જીએસટીને લઇ અનેક પ્રશ્નો ખડા છે. જીએસટી અમલને પ્રથમ બે વરસમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 791 સુધારા બહાર પાડવામાં આવ્યાં હતાં. તેમાં 88 તો માત્ર ટેક્સ દર સુધારા માટેના જ હતાં. તેના બે વરસ બાદ પણ નાના – મોટા સુધારા સતત યથાવત રહ્યાં છે અને અત્યાર સુધીમાં 354 નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યાં છે.
જેમાં સીજીએસટી રેટ 116, આઈજીએસટીના 29 અને આઈજીએસટીના રેટ 119નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 156 સર્ક્યુલર, 18 ઓર્ડર કરવામાં આવ્યાં હતાં. આ કાયદામાં 200થી ઓછી સેકશન છે અને 162 જેટલા રૂલ્સનો અભ્યાસ કરવો પડે છે. તેમાં હજુ કેટલાક રિટર્ન ગુંચવણભર્યાં છે. જેમાં અનુભવી ટેક્સ કન્સલ્ટન્ટ પણ ગોથા ખાય જાય છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, વેબસાઇટ પણ સતત બંધ થવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. વેપારીની ક્રેડિટ લેવા માટે ફરજીયાત 2બીમાં દેખાતી જ ક્રેડિટ લેવામાં આવે છે. પહેલા 3બી મુજબ વેપારીએ કરેલી ખરીદી અને માંગેલી રિર્ટન મુજબ ક્રેડિટ મળતી જતી હતી. જે હવે ઓનલાઇન દેખાશે તેટલી જ મળવા પાત્ર રહેશે. જો વેપારીનો જીએસટી નંબર રદ થઇ ગયો હોય તો ફરી ચાલુ કરવા માટે રિવોકેશનની અરજી થઇ શકતી નથી. જેની અપીલો પણ ચાલતી નથી. જેથી વેપારીઓને હેરાન થવાનો વારો આવે છે.
અપીલોના આદેશને પડકારવા માટે ટ્રિબ્યુનલની અપીલો પણ ચાલતી નથી. વેપારીઓને વાર્ષિક ઓડિટ માટે 9 અને 9સી જે રિટર્ન ભરવાના હતા, તે પહેલા ઓડિટ કરાવી સીએ પાસે સહી કરવા જવું પડતું હતું. પરંતુ તેમાં સુધારો કરી હવે વેપારી પોતે જ સેલ્ફ ડેકલેરેશન ભરીને પોતે રિટર્ન ફાઇલ કરી શકશે અથવા તેના વકીલ પણ રિટર્ન ફાયલ કરી શકશે. તેવી જ રીતે 50 કરોડથી વધારે ટર્ન ઓવર કરતાં તમામ વેપારીને ઇ-ઇન્વોઇસ બનાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ થવાથી ઇ- ઇન્વોઇસ કરતાં તમામ વેપારીનો સંપુર્ણ ડેટા પોર્ટલ પર આવી જશે.
ઇ-વે બીલ માટે ફટકારવામાં આવેલા દંડની અપીલ ન ચાલતા વેપારીઓમાં રોષ (બોક્સ)
જીએસટી કાયદા અંતર્ગત ઇ-વે બીલ હવે એક દિવસમાં 200 કિલોમીટર જ ચાલશે. જે પહેલા 100 કિલોમીટર સુધીનું હતું. રૂ.50 હજાર ઉપર ઇ-વે બીલ ફરજીયાત છે. ઇ-વે બીલ માટે સરકાર દ્વારા મોબાઇલ સ્કોર્ડ પણ ઉભી કરવામાં આવી છે. આ મોબાઇલ સ્કોર્ડને ગાડી પકડીને વેરો ભરાવવા માટે ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. આ ટાર્ગેટ માટે ઓફિસર જે ડિમાન્ડ ઉભી કરે છે, તેને પડકારવા માટે અપીલ દાખલ કરવામાં આવે છે. પરંતુ તે અપીલ ચાલતી નથી. જેના લીધે વેપારીઓને આર્થીક નુકશાન સહન કરવું પડે છે અને અપીલ માટે હાડમારી વધી જાય છે.