AAIB ના અહેવાલ પછી ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એક મોટો નિર્ણય લીધો છે. DGCA એ કહ્યું છે કે દેશમાં ચાલતી બધી ફ્લાઇટ્સની તપાસ કરવી ફરજિયાત રહેશે. વિમાનની એન્જિન સ્વિચ ફ્યુઅલ સિસ્ટમની તપાસ કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે 21 જુલાઈ સુધીમાં તમામ વિમાનોની તપાસ પૂર્ણ કરવામાં આવે.
ભારતની ઉડ્ડયન દેખરેખ સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ દેશની તમામ એરલાઇન્સને બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. આ તપાસ 21 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. DGCA એ કહ્યું છે કે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર આ વિમાનોની ફ્યુઅલ સ્વિચ લોકીંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી જોવા મળી છે જે સલામતી માટે ખતરો ઉભો કરી શકે છે.
આ સિસ્ટમ વિમાનના એન્જિનમાં ઇંધણના પુરવઠાને નિયંત્રિત કરે છે. જો તેમાં કોઈ સમસ્યા હોય તો એન્જિન બંધ થવાનું અથવા ઇંધણ પુરવઠો બંધ થવાનું જોખમ હોઈ શકે છે. તેથી DGCA એ તેને ગંભીરતાથી લીધું છે. DGCA એ બધી એરલાઇન્સને તેમના બોઇંગ 787 અને 737 ફ્લીટમાંના તમામ વિમાનોની ટેકનિકલ તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. જો કોઈપણ વિમાનમાં કોઈ ખામી જોવા મળે તો તેને તાત્કાલિક રિપેર કરાવવી પડશે ત્યાં સુધી તે વિમાન ઉડાન માટે ચલાવી શકાશે નહીં.
AAIB એ 2018 માં FAA દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો
ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ અમદાવાદ વિમાન દુર્ઘટના પરના તેના પ્રારંભિક અહેવાલમાં વર્ષ 2018 માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 787 સહિત બોઇંગ કંપનીના ઘણા મોડેલ વિમાનોમાં ફ્યુઅલ સ્વીચના લોકિંગની તપાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે આ ભલામણ ફરજિયાત નહોતી. તપાસમાં બહાર આવ્યું છે કે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં ફ્યુઅલ સ્વીચ લોકિંગની તપાસ કરવામાં આવી ન હતી કારણ કે FAA માર્ગદર્શિકા ફરજિયાત નહોતી.