રેલવે સ્ટેશનો, ટ્રેનો, બસો, બસ સ્ટેશનો, સરકારી કચેરીઓની ઇમારતો, જાહેર રસ્તાઓ વગેરે પણ ગંદકી એ આપણી બહુ જૂની સમસ્યા છે. ગંદા જાહેર શૌચાલયો અને ગંધાતી મૂતરડીઓ, ઉભરાતી કચરા પેટીઓ એ આપણા દેશમાં કોઇ નવાઇની વાત નથી. જાહેર સ્થળોની ગંદકીની બાબતમાં છેલ્લા કેટલાક વર્ષમાં થોડોક ફેર પડ્યો છે પણ જાહેર સ્થળોએ ગંદકીની બાબતમાં બહુ સુધારો જણાયો નથી. વર્તમાન સરકારે લાંબા સમયથી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, તેને કારણે જાહેર સ્વચ્છતાની બાબતમાં થોડો ફેર પડેલો જણાય છે પણ સૌથી મોટી વાત લોકોની માનસિકતાની છે અને તેમાં કંઇ ખાસ ફેર પડેલો જણાતો નથી.
વળી, કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન દર્શાવવા ક્યારેક ઉત્સાહભેર અચાનક મંડી પડે છે અને પછી બધું ઠંડુ પડી જાય છે. સ્વચ્છતા અભિયાન શરૂ થયા બાદ દેશમાં કેટલાયે સ્થળે એવી સ્થિતિ સર્જાઇ છે કે એક સમયે જે સ્થળો સ્વચ્છતા માટે ખૂબ વખણાયા હોય તે જ સ્થળોએ થોડાક સમય પછી ગંદકીના ઢગલાઓ પડ્યા હોય! સ્વચ્છતાની બાબતમાં સાતત્ય નહીં જળવાવા માટે પણ અગત્યનું કારણ લોકોની માનસિકતા જ છે.
જાહેર સ્થળોની, જાહેર પરિવહનના સાધનોની સ્વચ્છતા બાબતે લોકો આપણે ત્યાં ભાગ્યે જ કશી ગંભીરતા દાખવે છે. કેટલાક લોકો તો જાહેર સ્થળોએ ગંદકી કરવાને જાણે પોતાનો અધિકાર સમજે છે! અને આમાં વળી પ્રશાસનની બેદરકારી ભળે એટલે અસ્વચ્છતાનું જ સામ્રાજ્ય સર્જાય તેમાં કોઇ નવાઇની વાત નથી. હાલમાં આપણી રેલવે અંગે એક અહેવાલ બહાર આવ્યો છે કે દેશના રેલવે સ્ટેશનો, ટ્રેનો વગેરે રેલવેની મિલકતોમાં લોકોએ થૂંકીને, ખાસ કરીને પાન, માવા ખાઇને મારેલી પિચકારીઓને કારણે જે ડાઘ પડ્યા હોય તેમને દૂર કરવા માટે વર્ષે દહાડે જંગી ખર્ચ કરવો પડે છે.
ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષથી ટ્રેનો અને રેલવે સ્ટેશનોની અંદર અને આજુબાજુના વિસ્તારો માટે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે પરંતુ લોકો તરફથી આને પુરતો સહકાર મળતો નથી. પાન, માવા, ગુટખા વગેરે ખાઇને લોકો પિચકારીઓ મારીને રેલવે ટ્રેનો, સ્ટેશનો વગેરેને જે રીતે બગાડે છે, તેમને સાફ કરવા માટે રેલવેએ ભારે જહેમત ઉઠાવવી પડે છે અને મોટો ખર્ચ કરવો પડે છે.
એક અંદાજ પ્રમાણે ટ્રેનો, રેલવે સ્ટેશનોના પરિસરો વગેરેમાંથી ડાઘ દૂર કરવા માટે, ખાસ કરીને પાન, માવા, ગુટખા ખાઇને પિચકારીઓ મારીને ડાઘ પાડવામાં આવે છે તેમને દૂર કરવા માટે ભારતીય રેલવેએ વર્ષે રૂ. ૧૨૦૦ કરોડ જેટલી રકમ ખર્ચવી પડે છે અને ઘણુ બધું પાણી પણ આ માટે વપરાય છે. આ રીતે રેલવેની મિલકતોમાં થૂકવા બદલ કે પિચકારીઓ મારવા બદલ દંડ કરવાની જોગવાઇ પણ કરવામાં આવી છે પરંતુ તેનાથી પણ લોકો સુધરતા નથી. હાલમાં રેલવે પરિસરમાં કચરો ફેંકવા, થૂકવા કે પછી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર ઉભી હોય ત્યારે તેના ટોઇલેટનો ઉપયોગ કરવા બદલ રૂ. પ૦૦ના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
જો કે ઘણા બધા લોકો આ દંડમાંથી છટકી જાય છે કારણ કે દરેક વખતે બધા લોકો પર નજર રાખવાનું શક્ય હોતું નથી. આથી લોકો પોતે જ સુધરે નહીં ત્યાં સુધી સ્થિતિમાં બહુ ફેર પડે તેમ લાગતું નથી. ફક્ત રેલવે સ્ટેશનો કે ટ્રેનોમાં ગંદકીની સમસ્યા નથી. બસ અડ્ડાઓ, સરકારી ઇમારતો, જાહેર બાગબગીચાઓ જેવા સ્થળોએ કેવી ગંદકી હોય છે તે આપણે જોઇએ જ છીએ. ખાસ કરીને જાહેર સ્થળોના શૌચાલયો વગેરેમાં તો ખૂબ ખરાબ સ્થિતિ હોય છે. પે એન્ડ યુઝ શૌચાલયોમાં પણ ઘણી જગ્યાએ અપેક્ષિત સ્વચ્છતા હોતી નથી.
જાહેર સ્થળોએ સ્વચ્છતાના અભાવ માટે આપણે અગાઉ જોયું તેમ લોકોની માનસિકતા જ વધુ પ્રમાણમાં જવાબદાર હોય છે. તંત્રોની ઉદાસીનતા અને બેદરકારી પણ આવી અસ્વચ્છતા માટે જવાબદાર હોય જ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉપલા સ્તરોએથી વધેલા દબાણને કારણે આવી બાબતોમાં સ્થાનિક તંત્રો સક્રિય થયેલા જણાય છે અને તેઓ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પોતાનાથી બનતા પ્રયાસો કરતા પણ જણાય છે. જો કે આમાં પણ જુદા જુદા સ્થળે જુદી જુદી સ્થિતિ હોય છે, પરંતુ તંત્રોની લાપરવાહી ન હોય તો પણ પ્રજાનો સહકાર નહીં મળે તો જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાનું ખૂબ મુશ્કેલ બને છે.
દુનિયામાં એવા કેટલાયે દેશો છે કે જ્યાં પ્રજાકીય જાગૃતિ અને સ્વચ્છતા અને સુઘડતા બાબતે પ્રજાનો આગ્રહ એટલો બળૂકો હોય છે કે ત્યાં પ્રશાસનોએ સ્વચ્છતાની બાબતમાં ખાસ મહેનત કરવી પડતી નથી. જો પ્રજામાં સ્વચ્છતા જાળવવાની ઝંખના તીવ્ર હોય તો સરકારે સ્વચ્છતા અભિયાન ચલાવવાની કોઇ જરૂર જ નહીં પડે. અને જો પ્રજા જાહેર સ્થળોની સ્વચ્છતા બાબતે તદ્દન બેદરકાર હોય તો ગમે તેટલા સ્વચ્છતા અભિયાનો ચલાવવા છતાં જાહેર સ્થળોએ સંપૂર્ણ સ્વચ્છતા શક્ય બની શકે નહીં.