સુરત: રાજ્ય સરકારે આરટીઓ પાસે સત્તા આંચકી લઈ હવે નંબર પ્લેટની જવાબદારી ડીલરોના શિરે નાંખી છે. નવા વાહનોમાં તો ડીલર્સ નંબર પ્લેટ લગાવી આપે છે પરંતુ મોટી માથાકૂટ જૂના વાહનો માટે નંબર પ્લેટ લેવા મામલે થઈ છે. તમારી પાસે જૂનું વાહન હોય અને તેની નંબર પ્લેટ તૂટી, ઘસાઈ ગઈ હોય તો નવી નંબર પ્લેટ મેળવવા લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થયું છે.
જૂના વાહન માટે નવી નંબર પ્લેટ જોઈતી હોય તો આટલા રૂપિયા ચૂકવવા પડશે
જૂના વાહનોની નંબર પ્લેટ માટે હવે આરટીઓની કોઈ જવાબદારી રહી નથી. જૂના વાહનોની નંબર પ્લેટ માટે પણ વાહનચાલકે ડીલર્સનો જ સંપર્ક કરવાનો રહે છે. તેમાંય 2019થી વધુ જૂનું વાહન હોય તો ઓનલાઈન એપ્લીકેશન આપવી પડે છે. પહેલાં જ્યાં નંબર પ્લેટ 350 સુધીમાં બની જતી હતી તેના માટે હવે 500 ખર્ચવા પડે છે.
તેમાંય ડીલર પાસે નંબર પ્લેટ બની હોય તો આપે નહીં તો રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તેના લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઘણા વાહન ડીલર્સ નંબર પ્લેટ માટે વધારાના ચાર્જ વસૂલી રહ્યાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે, ત્યારે આજે સુરત ઓટો કન્સલ્ટન્ટોએ ભેગા મળી ડીલરો સામે મોરચો કાઢવામાં આવ્યો હતો. ડીલર્સ મનફાવે તેમ રૂપિયા વસૂલતા હોવાની ફરિયાદ સાથે ઓટો કન્સલ્ટન્ટ દ્વારા વિરોધ કરાયો હતો. ડીલરો એક નંબર પ્લેટ બનાવી આપતા નથી તેમજ વધારે ચાર્જ લે છે તેવો આક્ષેપ ઓટો કન્સલ્ટન્ટ દ્વારા કરાયો છે.
ઓટો કન્સલન્ટન્ટનું કહેવું છે કે અગાઉ આરટીઓમાં 350માં નંબર પ્લેટ તૈયાર થઈ જતી હતી પરંતુ હવે ડીલરોને સત્તા આપવામાં આવી છે. ત્યારથી અલગ અલગ ચાર્જ વસૂલાત છે. 500 રૂપિયા નંબર પ્લેટ પેટે વસૂલાય છે. કેટલાંક ડીલર્સ તો 700 રૂપિયા પણ વસૂલે છે. જૂની નંબર પ્લેટ તૂટી હોય તો ડીલર નવી બનાવી આપતા નથી. ફરજિયાત વાહનની બે નંબર પ્લેટ જ બનાવડાવી પડે છે. એક નંબર પ્લેટ તૂટેલી હોવા છતાં ડીલર્સ બે નંબર પ્લેટના રૂપિયા પડાવે છે.
આ ઉપરાંત ઓટો કન્સલ્ટન્ટોએ એવો આક્ષેપ કર્યો છે. ઘણા ડિલર્સ 10 દિવસ સુધી રાહ જોવડાવે છે. ડીલર્સ મનસ્વી વર્તન કરી રહ્યાં છે. આજે ઓટો કન્સ્લટન્ટ દ્વારા સૂત્રોચ્ચાર કરી ડીલર્સનો વિરોધ કરાયો હતો તેમજ માંગણી કરાઈ હતી કે ડીલર્સ પર અંકુશ મુકવામાં આવે. ખોટી રીતે રૂપિયા વસૂલતા ડીલર્સ સામે કાર્યવાહી કરવામાં આવે. એક નંબર પ્લેટ બગડી હોય તો તે જ બદલવાના ચાર્જ વાહનચાલકો પાસે વસૂલાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગણી કરાઈ છે.