SURAT

ભાઠામાં તાપી કિનારે પાળા નજીક CRZની જમીનમાં પાક્કું બાંધકામ શરૂ કરાતા કલેક્ટરને ફરિયાદ

સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારનાં બેટ માં આશરે 1000 થી 1200 વિંઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વિંઘા ખાનગી જમીન આવેલી છે. ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી.

આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો ડુબાણ જેવો વિસ્તાર હતો. ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો. જેના કારણે સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી. પરંતુ ભાઠાના બ્લોક નં. 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, કંપાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

તાપી નદી કિનારે માટી પુરાણ ની આ કામગીરી પાળા યોજના ની જોગવાઈઓનો ભંગ છે. આ માટી પુરાણ વહીવટી તંત્રની મજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોદી કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે.

આ મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી છે. નાયકે આક્ષેપ કર્યો છે કે બ્લોક નં. 608 અને 628ની જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-19 મુજબ “હેઝાર્ડ લાઇન” માં આવે છે અને તે સીઆરઝેડ વિસ્તારમાં આવે છે.

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011-19 મુજબ કોઈપણ જમીન સીઆરઝેડ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી પાસેથી કાયમી બાંધકામ કરતાં પહેલા સીઆરઝેડની પૂર્વ-મંજૂરી લેવાની રહે છે. જે ભાઠાની જમીન પર બાંધકામ કરતા પહેલાં લેવામાં આવી નથી.

બાંધકામ પ્રોજેકટમાં સીઆરઝેડ નોટિફિકેશનની જોગવાઈઓનો ભંગ થયો છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં જ્યારે કાયમી બાંધકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જેથી હાલના પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા મંજૂરી લીધેલ છે કે કેમ તે બાબતે તપાસ થવી જરૂરી છે.

જરૂરી મંજૂરીઓ વિના જ રોડ – રસ્તાઓ , કંપાઉન્ડ વોડ સહિતનું કાયમી બાંધકામ અને માટી પુરાણ શરૂ કરી સુરત શહેર ને પૂરના ભયમાં નાxખવા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જો સરકારી નીતિ નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહી હોય તો તાત્કાલિક અસરથી આવી કામગીરી અટકાવવામાં આવે તેમજ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા દર્શન નાયકે રજૂઆત કરી છે.

Most Popular

To Top