સુરત: સુરત શહેર અને જિલ્લામાં આવેલી સહકારી કો.ઓ. બેંકોમાં તત્કાલ બેંકિંગ સુધારા અધિનિયમ ૨૦૨૫નાં નીતિનિયમો અને જોગવાઇઓનું પાલન કરાવવા અને નીતિનિયમોનું મનસ્વી રીતે ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે માંગ કરી છે.
દર્શન નાયકે આરબીઆઈ ગવર્નર મુંબઈ અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર, અમદાવાદને પત્ર લખી જણાવ્યું છે કે, ભારત સરકારનાં લો એન્ડ જસ્ટીસ વિભાગ દ્વારા THE BANKING LAWS(AMEDMENT)ACT 2025, NO.16/2025 જાહેરનામાથી બેંકિંગ સુધારા અધિનિયમ ૨૦૨૫ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. જેના નીતિનિયમો અને જોગવાઈઓ મુજબ જે સહકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાર માટે ૧૦ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આમ, સહકારી બેંકમાં જે ડિરેક્ટરોએ પોતાના કાર્યકારના ૧૦ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠરે છે, જેથી આવા તમામ ડિરેક્ટરો કે જેમનો સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે ૧૦ વર્ષનો કાર્યકાર પૂર્ણ કર્યા હોય તેમણે રાજીનામા આપી દેવાના હતા. તેમજ જેમણે રાજીનામાં આપ્યા નથી, તેવા ડિરેક્ટરોના રાજીનામા માટેની કાર્યવાહી સબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓએ કરવાની હતી. પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનો આ બેંકિંગ સુધારા અધિનિયમ ૨૦૨૫ માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે.
આ સદર્ભમાં દર્શાવેલ રજૂઆત RBI ની શાખા સહિત ગુજરાત સરકારના સહકાર વિભાગના સંબંધિત વિભાગોમાં કરી હતી. તેમ છતાં હજી સુધી સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક લી., ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લી., ધી સુરત ટેક્સ્ટાઈલ્સ કો. ઓ. બેંક લી. (સુટેક્ષ બેંક), પ્રાઇમ કો.ઓ. બેંક લી. સહિતની કેટલીય સહકારી બેંકના ડિરેક્ટરોએ પોતાના ડિરેક્ટર તરીકે ૧૦ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેલા હોવા છતાં પણ રાજીનામાઓ આપ્યા નથી.
તેમના દ્વારા સરકારના નીતિનિયમો અને ધારાધોરણોનો ભંગ કરી પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે ગેરબંધારણીય રીતે RBI ના તમામ નીતિનિયમો ભંગ કરી બેંકમાં વહીવટી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અને ખોટા ખર્ચાઓ કરી બેંકના આર્થિક હિતોને નુકસાન થાય તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. સુરતની સહકારી બેંકમાં સરકારના બેંકિંગ સુધારા અધિનિયમ ૨૦૨૫ના નીતિનિયમો અને ધારાધોરણોનું પાલન ન કરાવી ચીફ એક્ષ્યુકેટીવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) ગેરલાયક ઠરેલા હોય એવા ડિરેક્ટર સાથે ગેરબંધારણીય રીતે બેંકનો વહીવટ કરી પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવી રહ્યા છે. જો ત્વરિત કાર્યવાહી નહીં થાય તો અમદાવાદ આરબીઆઈ કચેરીએ ધરણાંનો કાર્યક્રમ યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે.