સુરત : રાજ્યનાં મુખ્યમંત્રી (Gujarat CM) દ્વારા વોટ્સ એપ (WhatsApp) આધારિત ફરિયાદ (Complaint) સિસ્ટમ શરૂ કરતા પહેલા દિવસે જ હજીરા (Hazira) વિસ્તારનાં સ્થાનિક લોકોએ પાર્કિગ (Parking) મુદ્દાની ફરિયાદોનો ઢગલો ખડકી દીધો હતો. હજીરા પટ્ટાની કંપનીઓ દ્વારા પાર્કિગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નહીં હોવાથી માલવાહક વાહનો રસ્તા ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી અનેક સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. કેટલાકે જીવ પણ ગુમાવ્યા હોય ટ્રાફિકની સમસ્યાનાં ઉકેલની માંગણીઓ હજીરા વિસ્તારનાં લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
- હજીરામાં ભારે વાહનો રોડ ઉપર આડેધડ ગોઠવી દેવાતા ગ્રામજનોમાં રોષ
હજીરા વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી પાર્કિગની સમસ્યા જોવા મળી રહી છે. હજીરા વિસ્તારની ખાનગી કંપનીઓ તેમજ કેટલાક ટાન્સપોર્ટરોનાં વાહનો મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવતા હોવાથી હજીરાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં રહેતા લોકોને અવર-જવર માટે મુશ્કેલી પડે છે. હજીરા વિસ્તારમાં અનેક વખત જીવલેણ અકસ્માતો પણ થયા છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ આવ્યો નહીં હોવાથી હવે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને વોટ્સ એપનાં માધ્યમથી ફરિયાદ કરવાની શરૂઆત કરી છે. આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનાં ઉકેલ માટે મુખ્યમંત્રીને મહત્તમ ફરિયાદો કરવામાં આવે તે અંગેની ઝુંબેશ કાંઠા વિસ્તારનાં યુવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વોટ્સ એપ થકી ફરિયાદ સ્વીકારવાનું શરૂ કરતા જ કાંઠા વિસ્તારનાં યુવાનોએ ટ્રાફિકનાં વિડીયો, અને ફોટા સાથે મુખ્યમંત્રીને વોટ્સ એપ કરી સમસ્યાનાં ઉકેલની માંગણી કરતા હજીરા વિસ્તારમાં ટ્રાફિકનો મામલો ગરમાયો છે.
હજીરામાં સરકારી જમીનો ઉપર ગેરકાયદે પાકીર્ગ પ્લોટ પણ બનાવી દેવાયા
હજીરા વિસ્તારમાં કેટલાક સ્થાનિક રાજનેતાઓએ રોકડી કરવા માટે સરકારી જમીન બાપની માલિકીની હોય તેમ ભાડે ચઢાવી દીધી છે. આ વિસ્તારમાં સેકડો સરકારી નંબરો ઉપર ગેરકાયદે દબાણ કરવા દઇ ભાડું વસૂલવામાં આવી રહ્યુ છે. આ કૌભાંડમાં હજીરા વિસ્તારમાં ફરજ બજાવતા સરકારી મહેસૂલી ખાતાના બાબુઓને સઘળી વિગતો ખબર છે. પરંતુ નિયમિત પ્રસાદી મળતી હોવાથી તેઓ આંખ આડા કાન કરે છે. હજીરામાં ઠેરઠેર સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ છે. કોઇક ઠેકાણે લોખંડની સ્લેગ નાંખવામાં આવી છે. તો કોઇક ઠેકાણે મોટા કન્ટેન્ટરનો ખડકલો કરી દેવાયો છે.