Vadodara

સુસાઇડ નોટ લખી ગૂમ યુવક સામે 5 લાખની ઠગાઈની ફરિયાદ

વડોદરા: કરજણના લીલોડ ગામમાં રહેતા યુવકે ગામમાં આવેલી પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટવાળા ફળિયામાં આવેલ ગભાણનું ગીરો ખત તેમજ ભાગીદારી ખતથી લખી આપીશ અને તમારી સાથે ફિક્સ ભાગીદારી કરાર તેમજ ગીરોકરાર મુજબ તમને દર મહિને 1થી 5 તારીખ સુધીમા રૂ. 20,000 ચૂકવી આપીશ તેમ જણાવી મિત્ર પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પરત નહીં ચૂકવી ખોટી સુસાઇડ નોટમાં મિત્રના પુત્ર સહિત 12 લોકોના નામ લખી ગુમ થતા મિત્રએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કરજણ તાલુકાના લીલોડ ગામમાં આવેલ મસ્જીદવાળા ફળિયામાં રહેતા રસિદ મોહંમદભાઈ જમાદાર ખેતી કામ કરે છે. રસિદભાઈના ગામમાં જ રહેતા હિતેશ વાળંદ સાથે મિત્રતા હોવાથી ઘરે આવવા જવાના સંબંધ ધરાવતા હતા. ગત તા. 20 ઓગસ્ટ 2019ના રોજ હિતેશ તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યારે હિતેશે રસીદભાઈને જણાવ્યું હતું કે, હું એ-વન ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરું છું અને મારે ધંધાના કામે રૂ. 5 લાખની જરૂરિયાત છે. જેથી તમે મને મિત્રતાના ભાવે 5 લાખ ઉછીના આપો હું તમને પરત ચૂકવી આપીશ.

ત્યારે હું નાણાં ધિરવાનું કામ કરતો નથી. અને તમે મને મારા પૈસા પરત ના કરો તો મારા પૈસા ડૂબી જાય તેમ રસિદભાઈએ જ્ણાવ્યુ હતું. જેથી હિતેશે લીલોડ ગામમાં આવેલ પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટવાળા ફળિયામાં આવેલ ગભાણનું તમને ગીરો ખત તેમજ ભાગીદારી ખતથી લખી આપીશ અને તમારી સાથે ભાગીદારી તેમજ ગીરો કરાર મુજબ દર મહિને 1થી 5 તારીખ સુધીમા રૂ. 20000 તમને ચૂકવી આપીશ તમને તા. 20 ઓગસ્ટ 2020 સુધીમાં ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું. જેથી રસિદભાઈએ હિતેશને ચેક મારફતે 5 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.

ત્યારબાદ હિતેશ તા. 21ઓગસ્ટ 2020ના રોજ રસિદભાઈને મળ્યો હતો અને કરજણ લઇ જઈ નોટરી પાસે ગીરો કરાર અને ભાગીદારી કરાર રજીસ્ટર કરી આપ્યો હતો. ત્યારબાદ બીજા મહિને રશીદભાઈએ હિતેશ પાસે કરાર મુજબ રૂ. 20000 માંગતા હિતેશે આપ્યા ન હતા અને  વાયદાઓ કરી પૈસા આપવાનું ટાળ્યું હતું. ત્યારે હિતેશ પૈસા પરત ન આપતો હોવાથી 14 જૂન 2021ના રોજ રસિદભાઈએ  લીલોડ ગામમાં આવેલી પોતાની મિલકતનું મકાન અને ગામઠાણના ઘાટ વાળા ફળિયામાં આવેલ  ગભાણનું દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું.

જેથી તે જમીન પૈકી પોતાના 5 લાખ રૂપિયા વસુલ કરી શકે. ત્યારે હિતેશે હું તમને પૈસા પરત નહિ આપું. તેમજ દસ્તાવેજ પણ કરીને નહિ આપું. તમારાથી થાય તે કરી લો. હું તમારું નામ ચિઠ્ઠીમાં લખી સ્યુસાઇડ કરી લઈશ અને તેમને જેલના સળિયા ગણાવીશ તેવી ધમકી આપી હતી. 19 જૂનના રોજ પોલીસ ફાગવેલ ખાતેથી હિતેશને શોધી લાવી હતી. જેથી રસિદભાઈએ પિતાની સાથે થયેલ રૂ. 5 લાખની છેતરપિંડી મામલે કરજણ પોલીસ મથકમાં હિતેશ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે છેતરપિંડી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top