ભારત સરકારના લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રી દ્વારા તા. 15/04/2025ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી THE BANKING LAWS (AMENDMENT) ACT, 2025 (No. 16 of 2025) જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદાના કેટલાક પ્રાવધાનો તા. 01/08/2025થી અમલમાં આવ્યા છે, જેમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સુધારા દ્વારા સહકારી બેંકોમાં ડિરેક્ટર્સ ની મહત્તમ કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે.
- ડિરેક્ટરો દ્વારા બેંકિંગ લોઝ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025ના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરાયાના આક્ષેપ
- સતત 10 વર્ષથી વધુ સમય ડિરેક્ટર પદ ભોગવી રહ્યાં હોવાનો આરોપ
- તપાસ કરી જવાબદાર ડિરેક્ટરો સામે નિયમોનુસાર પગલાં ભરવા રિઝર્વ બેન્કને રજૂઆત
આ કાયદા અનુસાર સહકારી બેંકોમાં ડિરેક્ટર્સની કાર્યમુદ્તત હવે મહત્તમ 10 વર્ષની છે. જો કોઈ ડિરેક્ટર 10 વર્ષથી વધુ સમય સુધી પદે રહે તો તે ગેરકાયદેસર છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. જે મુજબ સુરત જિલ્લાની અનેક સહકારી બેંકો જેમ કે રાંદેર પીપલ્સ કો-ઓપ. બેંક, પ્રાઇમ કો-ઓપ. બેંક, મહેસાણા અર્બન કો-ઓપ. બેંક તથા ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક વગેરેમાં 10 વર્ષથી વધુ કાર્યકાળ ધરાવતા ડિરેક્ટરોએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. કેટલીક બેંકોમાં નવી બોર્ડની રચના થઈ છે અને કેટલીકમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે.
જોકે સુરત મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.ના ડિરેક્ટર્સ અને ચેરમેનની કાર્યમુદ્ત સતત 10 વર્ષથી વધુ સમયથી પૂર્ણ થઈ ગયો છે અને ડિરેક્ટર તરીકેનો કાર્યકાર પણ પૂર્ણ થઈ ગયો હોવા છતાં આજદિન સુધી તેમણે રાજીનામું આપ્યું નથી તેમજ ચુંટણીની જાહેરાત કરવામાં આવી નથી. આનાથી તેઓ ભારત સરકારના THE BANKING LAWS (AMENDMENT) ACT, 2025 (No. 16 of 2025) કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન કરી રહ્યા છે, જે બેંકના ગવર્નન્સ અને ડિપોઝિટર્સના હિતને નુકસાન પહોંચાડી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે રિઝર્વ બેન્કને રજૂઆત કરી છે કે, આ બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને સુરત મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ, ના બેંકના વર્તમાન ડિરેક્ટર્સની સતત 10 વર્ષ સુધીની કાર્યમુદ્ત પૂર્ણ થઈ ગયો હોય તેમના તત્કાલ રાજીનામાં લઈ ચુંટણીની જાહેરાત કરવામાં આવે. જો વર્તમાન ડિરેક્ટરો દ્વારા ભારત સરકારના THE BANKING LAWS (AMENDMENT) ACT, 2025 કાયદાનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોય તો તેમની વિરુદ્ધ નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.