Vadodara

દહેજ પેટે દાગીના પચાવનાર પતિ સહિત સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ

વડોદરા : શહેરના નટુભાઈ સર્કલ પાસે પિયરમાં રહેતી યુવતીએ માતા-પિતા અને પરિવારની ઉપરવટ જઇ પ્રેમલગ્ન કર્યાબાદ  શિક્ષીત યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે. લગ્ન બાદ શંકાશિલ પતિ અને તેના પરિવારજનોએ જિંદગી નર્ક બનાવી દેતા નાસીપાસ થઇ ગયેલી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દીયર સામે ફરિયાદ નોંધાવી છે. એટલું  જ નહિ સાસરીયાઓએ 50 તોલા સોનુ અને દોઢ કિલો ચાંદી પચાવી પાડ્યું છે.

શહેરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં નોકરી કરતી અને એક સંતાનની માતાએ વર્ષ-2008માં માતા-પિતા અને પરિવારની મરજી વિરૂધ રાહુલ ચંદ્રકાંત સોની સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા. યુવતી લગ્ન બાદ વધુ અભ્યાસ માટે લંડન ગઇ હતી. વિદેશ ગયા બાદ આઠ માસ પછી પતિ રાહુલ સોની પણ વિદેશ આવી ગયો હતો. વિદેશમાં આવ્યા બાદ પતિના શંકાશીલ સ્વભાવના કારણે ઝઘડાઓ શરૂ થયા હતા. લંડનમાં જે વ્યક્તિએ મદદ કરી હતી તે વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની પતિને શંકા હતી. ત્યારે યુવતીએ શંકા દૂર કરવા માટે પોતાનો મોબાઇલ ફોન પણ પતિને આપી દીધો હતો.

ફોન આપ્યા પછી પણ પતિનો સ્વભાવ બદલાયો ન હતો. પતિ દારુ પીને ઘરે આવે ત્યારે ઝઘડો કરતા હતા. અને માર મારતા હતા. પતિનો ત્રાસ સહન ન થતાં અને સાંસારીક જીવન બરબાદ ન થઇ જાય તે માટે યુવતી લંડનથી પરત ભારત આવી ગઈ હતી. અને સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવાનું શરૂ કર્યું હતું. વડોદરા આવ્યા પછી પણ પતિએ તેના માતા-પિતા અને પરિવાર સામે મારઝૂડ કરવાનું ચાલુ રાખ્યું હતું. અને અવાર-નવાર અપમાન કરવામાં કંઇ બાકી રાખતા ન હતા.

દરમિયાન પતિ રાહુલને તેના મિત્રની પત્ની સાથે આડા સબંધ હતા. પતિના આડા સબંધની જાણ યુવતીના પતિને થતાં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. પતિ અને સાસરીયાઓને આ બાબતે ધ્યાન દોરતા તેઓએ વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છેલ્લે પતિ તથા સાસરીયાઓએ પિયરમાંથી સોનું લઇ આવવા માટે ત્રાસ આપવાનું શરૂ કરી  પિયર પક્ષ તરફથી 50 તોલા સોનું અને દોઢ કિલો ચાંદી દહેજ પેટે આપવામાં આવ્યું હતું.

જે તેઓએ પચાવી પાડ્યું છે. દહેજ આપવા છતાં, પણ સારી રીતે રાખવાને બદલે ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ પતિ રાહુલ સોની, સસરા ચંદ્રકાંત સોની, સાસુ જ્યોતિબહેન સોની અને દીયર વિશાલ સોની ( તમામ રહે. એ-22, અર્થ સોમનાથ, ગોત્રી-સેવાસી રોડ, વડોદરા) સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે દહેજ ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top