National

સાંસદો વચ્ચે ઘર્ષણ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ, બાંસુરી-અનુરાગ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા

સંસદ ભવન સંકુલમાં મારામારીના મામલામાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને અનુરાગ ઠાકુર સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને શાસક પક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ભાજપનો આરોપ છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ધક્કો માર્યો, જેના કારણે તેના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા. સારંગીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપના સાંસદોએ તેમને અને અન્ય વિપક્ષી સભ્યોને સંસદ ભવનમાં પ્રવેશતા અટકાવ્યા હતા અને ધક્કો માર્યો હતો.

સંસદના બંને ગૃહોમાં આજે પણ હંગામો ચાલી રહ્યો છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મુદ્દે સંસદ ભવન સંકુલમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ પ્રદર્શન કર્યું. આ દરમિયાન મકર દ્વાર ખાતે બંને પક્ષના સાંસદો વચ્ચે મારામારીના સમાચાર આવ્યા હતા. ભાજપના સાંસદ પ્રતાપ સારંગી માથામાં ઈજા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ભાજપના સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા હતા. તેમને આરએમએલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સારંગીની પણ આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંસદની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ભાજપના સાંસદોએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો, મને ધક્કો માર્યો હતો અને ધમકી આપી હતી. રાહુલે દાવો કર્યો હતો કે ખડગે અને પ્રિયંકા ગાંધી સાથે પણ મારપીટ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી વિપક્ષને કોઈ ફરક પડતો નથી. આ સંસદ છે અને અંદર જવું અમારો અધિકાર છે. તેમણે કહ્યું કે મુખ્ય મુદ્દો એ છે કે બંધારણ અને બાબાસાહેબની સ્મૃતિનું અપમાન થયું છે.

જ્યારે વિપક્ષી સભ્યોએ બાબાસાહેબ આંબેડકરને લગતી ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં મોર્ચો કાઢ્યો ત્યારે ભાજપના સાંસદોએ કોંગ્રેસ પર બાબાસાહેબનું અપમાન કરવાનો આરોપ લગાવતા પ્રદર્શન કર્યું. સંસદભવનના ‘મકર ગેટ’ પાસે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો એકબીજાની સામે આવી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા.

શેના પર વિવાદ?
અમિત શાહની ટિપ્પણીને લઈને બુધવારથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે. કોંગ્રેસ અને વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે શાહે મંગળવારે ‘ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર રાજ્યસભામાં બે દિવસીય ચર્ચાનો જવાબ આપતાં તેમના સંબોધન દરમિયાન બાબાસાહેબનું અપમાન કર્યું હતું. બીજી તરફ ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે હંમેશા બાબાસાહેબનું અપમાન કર્યું છે અને તેમને ચૂંટણીમાં પણ હરાવ્યા છે.

Most Popular

To Top