વડોદરા : પાંચ વર્ષમાં ક્યારેય લગ્નજીવનનું સુખ માણી શકેલી નહીં શિક્ષિત પરિણીતાનો પતિ નંપુશક જણાયો હતો. દોઢ કરોડ દહેજ અને 1 કરોડના દાગીના ખંખેરીને નંપુશક પતિએ તથા તેના માતા-પિતાએ અસહ્ય અત્યાચાર ગુજારતા ત્રાહિમામ પોકારી ગયેલી ધનાઢ્ય પરિવારની પરિણીતાએ ગોરવા પોલીસ મથકે સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રતિબંધક સહિતનો ગુનો નોંધાવ્યો હતો. મધ્યવર્ગમાં જ દહેજનું દૂષણ છે તેવું નથી. અત્યંત માલેતુજારો પણ નાણાંભૂખ્યા જ હોય તેમ દહેજમાં કરોડો રૂપિયા ખંખેરીને પણ ધરાતા જ નથી. આવા જ એક બનાવ શહેરના ગોરવા વિસ્તારના સુભાનપુરા સ્થિત પરિશ્રમ સોસાયટીમાં રહેતી વિધુશ્રી વિકાસભાઈ લઠ્ઠાની પુત્રી સાથે બન્યો હતો.
ગ્રાફિક્સ ડિઝાઈનરની કામગીરી કરે છે. અત્યંત ધનાઢ્ય અને શિક્ષીત પરિવારની વિધુશ્રીનું લગ્ન 2016માં જ્ઞાતિના રિતરીવાજ મુજબ વેદાંત બસંતકુમાર મિમાની સાથે (રહે.4-બી, બ્લ્યુવેલ એપાર્ટમેન્ટ, શોર્ટસ્ટ્રીટ કલકત્તા) પરિવારજનોની હાજરીમાં ધામધૂમથી થયા હતા. એકના એક વેદાંતના લગ્ન અત્યંત રંગેચંગે કરવા તેના પિતાએ વેવાઈ પાસે 1.50 કરોડનું દહેજ માગીને તમામ ખર્ચ કરવાની માગણી કરી હતી. ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ જમાઈ મળવાથી ઉત્સાહિત સસરાએ દહેજ ઉપરાંત પુત્રીને 1 કરોડ રૂપિયાના સોનાના દાગીના સહિત તમામ ઘર વખરી કરીયાવરમાં આપી હતી.
વાર્ષિક 30 લાખ રૂપિયાની આવક હોવા છતાં પતિ વેદાંત અને તેના માતા-પિતાએ પરિણીતાની તમામ દાગીના લઈને લોકરમાં મૂકી દીધા હતા. દંપતી બેંગ્લોરમાં િશફ્ટ થઈ જતાં પતિ દરરોજ નશામાં ચૂર થઈને ઘરે આવતો હતો અને ગાળો બોલીને સિગરેટના ડામ આપવાની ધમકી આપતો હતો. પત્નીને વારંવાર ધમકાવીને ન્યુઝીલેન્ડ તથા દુબાઈ ફરવા જવાના બહાને તમામ ખર્ચ સાસરીયાઓ પાસે કરાવતો હતો. તકરાર કરીને સ્કોડા કાર પણ મંગાવી હતી.
પતિના ઝનૂની સ્વભાવ સહન કરતી પત્ની સાથે પતિ ક્યારેય શારિરીક સંબંધ બાંધી શકતો ન હોવાથી સેક્સ સમસ્યા નિવારવા તબીબી સારવાર કરાવવાનું કહેતા પત્નીને બાલ્કનીમાંથી બહાર ધક્કો મારતા પતિએ જાનનું જોખમ ઊભુ કર્યું હતું. પરિવારના વડીલોએ વારંવાર સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવા છતાં શિક્ષીત પતિ અને તેના માતા-પિતા ટસના મસ ના થયા ઉલટાનું વધુ 50 લાખનું દહેજ માંગ્યુ હતું. પરિણીતાએ દાગીના પરત માગતા સાસુ સસરાએ તથા પતિએ મળીને સગેવગે કરી નાખ્યા હતા અને પતિએ નોકરી પણ છોડી દીધી હતી.