SURAT

સુરતમાં ટ્રેન ઉથલાવી પાડવાના કારસામાં ફરિયાદી જ આરોપી નીકળ્યોઃ પેડલોક કાઢનાર 3 રેલવેકર્મી પકડાયા

સુરતઃ બે દિવસ પહેલાં સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરામાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે. રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ કાઢી નહીં શકે તેવી આશંકા તપાસ એજન્સીઓને પહેલાથી જ હતી. તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.

રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ટ્રેક પરથી પેડલોક કાઢી નાંખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદ્દાર જ આરોપી છે. તેણે પોતે જ પેડલોક કાઢ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા દિવસથી જ સુભાષ પર શંકા હતી. કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એકસાથે 71 પેડલોક કાઢી શકે નહીં. પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલાં ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી.

ત્રણેય ટ્રેનના લોકો પાઈલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી. ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, જેથી એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી. સુભાષની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ કેસમાં 3 રેલવે કર્મીઓને અટકાયતમાં લઈ સુરત એલસીબી અને એસઓજી પૂછપરછ કરી રહી છે.

20 મિનિટમાં ફિશપ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલાયા હતા
રેલવે સૂત્રોએ કહ્યું કે, સામાન્ય રીતે 71 પેડલોક ખોલતા બે કલાકનો સમય લાગે છે, પરંતુ છેલ્લી ટ્રેન પસાર થઈ અને ફરિયાદ આવી તે વચ્ચેના માત્ર 20 મિનિટના સમયગાળામાં એટલે કે સવારે 5થી 5.20 દરમિયાન ફિશપ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખુલી ગયા હતા.

આરોપી અનુભવી હોય તો જ 30 મિનિટમાં બે ફિશપ્લેટ ખોલી શકે છે. એક કિ.મી.ના અંતરમાં બે ફિશપ્લેટ અને 71 પેડલોક ખોલવામાં ઓછામાં ઓછો 1 કલાકનો સમય લાગે છે. ટ્રેક પર આટલો લાંબ ોસમય એકસાથે કામ કરવું શક્ય નથી. આ બધા સમીકરણોએ સુભાષ પર શંકાનો ઘેરો મજબૂત બનાવ્યો હતો.

રેલવે કર્મીએ શું કામ કાવતરું ઘડ્યું?
હજારો લોકોનો જીવ જોખમમાં મુકાય એવું કામ રેલવે કર્મચારીઓએ કેમ કર્યું તે મોટો પ્રશ્ન છે. તપાસ એજન્સીઓ પણ આ સવાલનો જવાબ શોધી રહી છે. પ્રાથમિક તબક્કે એવી વિગતો બહાર આવી છે. કે પ્રમશોન મેળવવા, મીડિયામાં ચમકવા અને રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું છે. જોકે, ખરી હકીકત તો તપાસના અંતે જ બહાર આવશે.

Most Popular

To Top