ભારતના રાજકીય પક્ષો અને તેમની સરકારો દેશની જનતાની ગરીબી, બેકારી, મોંઘવારી વગેરે સમસ્યાઓ હલ કરી શકતી નથી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે મતદારોને મફતમાં ઘણી બધી ચીજો આપીને તેમના મત પડાવી લેવામાં સફળ થાય છે. આપણા અબુધ મતદારો પણ રાજકીય પક્ષોનાં પાંચ વર્ષના કુશાસનને ભૂલીને ચૂંટણી ટાંકણે મફતની રેવડી લઈને સરકાર ચૂંટતી હોય છે.
હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ રાજકીય પક્ષો મફતની રેવડી આપીને મતદારોના મતો પડાવવાનો દાવ ખેલી રહ્યા છે. દિલ્હીમાં ૫ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી માટે દિલ્હીમાં સત્તા જાળવી રાખવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે જ ભાજપ પણ ત્રણ દાયકાથી રાજ્યમાં સત્તા કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી પણ દિલ્હીમાં પોતાનું ખોવાયેલું રાજકીય મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ત્રણેય મુખ્ય પક્ષો માટે મફતમાં લહાણી કરવાનાં વચનો ચૂંટણી પ્રચારનો મહત્ત્વનો ભાગ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ભારતમાં પ્રાચીન સમયથી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. દેશના ઘણા વિસ્તારોમાં ફેલાયેલી ગરીબી અને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી યોજનાઓમાં ગરીબો માટે રાશન, પીવાનું શુદ્ધ પાણી, નિરાધારો, વિધવાઓ અને વૃદ્ધો માટે પેન્શન, ગરીબો માટે તબીબી સુવિધાઓ જેવી ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે.
જો આ રેવડી દ્વારા મતો મળતા હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે દેશમાં સાડા સાત દાયકા પછી પણ ગરીબી હાજર છે, જેને દૂર કરવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા છે. સરકાર આ ગરીબીનો ઇનકાર કરે છે, પરંતુ તે જાણે છે કે જો તે તેના પર ધ્યાન નહીં આપે તો લોકોનો ગુસ્સો ફાટી શકે છે. તેથી લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી તેમને ભિખારી બનાવવામાં આવે છે. કિસાન સન્માન યોજના હોય કે મહિલાઓને પૈસા આપવાની લાડલી બેહન જેવી યોજના હોય, તેનો ગેરલાભ એ છે કે સરકાર લાંબા ગાળાની યોજનાઓમાં રોકાણ કરી શકતી નથી.
લોકોને સુવિધા આપવામાં રાજકીય પક્ષોમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ મહિલાઓ માટે દર મહિને ખેરાતના રૂપમાં ૨,૧૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે તો ભાજપે ૨,૫૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ૨૦૦ યુનિટ મફત વીજળી આપે છે, પણ કોંગ્રેસે તેને વધારીને ૩૦૦ યુનિટ કરવાનું વચન આપ્યું છે. ઘણી વખત રાજકીય પક્ષો એવા વચનો આપે છે જે પૂરા કરી શકાતા નથી. પંજાબમાં તેવું થયું છે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર મહિલાઓને પૈસા આપી શકી નથી. દેખીતી રીતે આવી યોજનાઓ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસે પૂરતાં સંસાધનો અને પૂરતું બજેટ હોવું જોઈએ.
૧૯૭૦ ના દાયકામાં ભારતનાં દક્ષિણી રાજ્યોમાં આવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી અને તેના થકી સરકારી લાભો સીધા લોકોને પૂરા પાડવામાં આવ્યા હતા. ઉત્તરનાં રાજ્યોમાં પણ આમાંની ઘણી યોજનાઓ ખૂબ સફળ પણ રહી હતી. બિહારમાં મહિલાઓ માટેની સાયકલ યોજના અને દિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધી મફત વીજળીની યોજના સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આવી યોજનાઓ ધીમે ધીમે લાગુ કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર સરકાર પણ આવી ઘણી યોજનાઓ ચલાવે છે, જેના હેઠળ લોકોને મફત રાશન આપવામાં આવે છે અથવા ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપવામાં આવે છે.
આ મફત યોજનાઓનો સૌથી મોટો ગેરલાભ એ છે કે આજે નાના ફાયદા માટે લોકોને આવતી કાલે ભારે નુકસાન વેઠવું પડે છે. આજે સરકાર દ્વારા જે મફતની લહાણી કરવામાં આવી રહી છે, તેની કિંમત આવનારી પેઢીઓએ વધારાના કરવેરાના રૂપમાં ચૂકવવી પડશે. અગાઉ આવનારી બે-ત્રણ પેઢીઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવતી હતી પણ હવે એવું રહ્યું નથી. દિલ્હીની વાત કરીએ તો મફત યોજનાઓને કારણે પહેલી વાર દિલ્હીનું બજેટ, જે હંમેશા સરપ્લસમાં રહેતું હતું, તે ખોટમાં જઈ શકે છે. આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં દિલ્હીના બજેટને ૬,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. પંજાબ સરકારને ઘણી સમસ્યાઓ વારસામાં મળી છે.
તેની પાસે દિલ્હીની જેમ ટેક્સની માતબર આવક નથી. હિમાચલ પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યા પછી લુધિયાણા, જલંધર અને ઘણા વિસ્તારોમાં ફેક્ટરીઓ પંજાબથી હિમાચલમાં ખસેડવામાં આવી છે. આ સિવાય વાઘા બોર્ડર બંધ થવાને કારણે પંજાબનો પાકિસ્તાન સાથેનો કારોબાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. પંજાબમાં ખેડૂતો પહેલેથી જ મફત વીજળી મેળવી રહ્યા છે. AAP સરકારે મહિલાઓને મફત બસ સેવા અને કેટલાક વર્ગોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપી છે. AAP સરકાર પંજાબમાં જે વચનો પૂરાં કરી શકી નથી તેની પાછળ જૂની પેન્શન યોજના અને કેન્દ્ર સરકારની પણ મોટી ભૂમિકા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સતત બે ચૂંટણીમાં મોટી જીત મેળવી છે, જેમાં તેની મફત યોજનાઓનું મોટું યોગદાન માનવામાં આવે છે.
૨૦૧૩માં પહેલી વાર અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં ૪૯ દિવસ સુધી સરકાર ચલાવી હતી. આ સમયગાળા દરમિયાન, અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની AAP સરકારે દિલ્હીના લોકો માટે મફત વીજળી, પાણી અને અન્ય સુવિધાઓની ઘણી જાહેરાતો કરી હતી અને આ ચૂંટણીઓમાં તેને આગળ લઈ જવાનો વાયદો કરી રહી છે. ભાજપે ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન મફતની રેવડીઓની બહુ ટીકા કરી હતી, પણ દિલ્હીમાં તે પણ રેવડીના સહારે ચૂંટણી જીતવા તત્પર છે. ૧૯૯૩થી દિલ્હીમાં સત્તા પર પાછા ફરવાની રાહ જોઈ રહેલો ભાજપ હવે આવી જ મફત યોજનાઓના માર્ગે છે અને કોંગ્રેસ પાર્ટી પણ તેના આધાર તરીકે દિલ્હીમાં તેની જૂની તાકાત પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
હવે ભાજપ અને કોંગ્રેસ પણ મતદારો પર મફત યોજનાઓની અસર સમજી રહ્યા છે અને બંને પક્ષોએ મતદારોને આવાં અનેક મફતિયાં વચનો આપ્યાં છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજકાલ આપણા દેશમાં મફત રેવડી વહેંચીને મતો એકત્ર કરવાની સંસ્કૃતિ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ રેવડી સંસ્કૃતિ લોકો માટે ઘાતક છે. દેશના વિકાસ માટે ભારતના લોકો અને ખાસ કરીને મારા યુવાનોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાની તાકાત અજમાવી રહી હતી અને ચૂંટણી પ્રચારમાં તેણે દિલ્હીમાં ચાલી રહેલી યોજનાઓને લોકો સમક્ષ રજૂ કરવા પર ખૂબ જોર લગાવ્યું હતું. ભાજપે ચાલી રહેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં લખ્યું છે કે જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે, તો તે વર્તમાન કલ્યાણકારી યોજનાઓને ચાલુ રાખશે એટલું જ નહીં પરંતુ તેને વધુ અસરકારક બનાવશે. આવી સરકારી યોજનાઓને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી છે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં આને લગતી બે અરજીઓ પણ દાખલ કરી છે . અશ્વિની ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે PIL દાખલ કરી ત્યારે ભારત સરકારનું દેવું ૧૫૦ લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને ૨૨૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જ્યારે દિલ્હી સરકારનું દેવું ૫૫ હજાર કરોડ રૂપિયાથી વધીને રૂ. ૧ લાખ કરોડ થઈ ગયું છે. અશ્વિની ઉપાધ્યાયે માંગણી કરી છે કે જે પાર્ટી પાંચ વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી પણ દેવું ઓછું કરી શકી નથી, તેના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. જો તમામ રાજકીય પક્ષો પર તેવો પ્રતિબંધ લગાવવામાં આવે તો ભારતનો કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી લડવા માટે લાયક રહેશે નહીં.
