નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. કોર્ટમાં કોરોનાને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને રુપિયા 4 લાખનું વળતર આપવા બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વળતરની (Compensation) માંગ અંગે કોર્ટ પોતાનો ચુકાદો થોડા સમય પછી આપશે. વળતર અંગેની આ પહેલા થયેલી સુનવણીમાં કેન્દ્ર સરકારે પહેલાં જ સુપ્રીમ કોર્ટ સામે હાથ ઉંચા કરી દીધા છે અને જણાવ્યું છે કે આટલા બધા લોકોને વળતર આપી શકે તેટલી તેની આર્થિક સ્થિતિ નથી. જોકે હજી પીડિત પરિવારના લોકોની અપેક્ષા જીવંત છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કોવિડ -19 ને કારણે પોતાનો જીવ (Death Due to Corona Virus) ગુમાવનારા લોકોના પરિવારોને પ્રત્યેક 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાના નિર્દેશની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ એમ.આર.શાહની વિશેષ વેકેશન બેંચે સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ એડવોકેટ એસ.બી. ઉપાધ્યાય અને અન્ય વકીલોની દલીલો લગભગ બે કલાક સુધી સાંભળી હતી. આ પછી સર્વોચ્ચ અદાલતે પક્ષકારોને ત્રણ દિવસમાં લેખિત રજૂઆતો કરવા જણાવ્યું અને ખાસ કરીને કેન્દ્રને કોવિડ -19 ના કારણે પોતાનો જીવ ગુમાવનારાઓના આશ્રિતોને મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા સરળ બનાવવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે બે અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાં કેન્દ્ર અને રાજ્યોને કાયદા હેઠળ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને ચાર-ચાર લાખ વળતર આપવા અને મૃત્યુ પ્રમાણપત્ર આપવાની એક સમાન નીતિ બનાવવા જણાવ્યુ છે. આ કેસમાં અરજ કરનારાના વકીલ ગૌરવ કુમાર બંસલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની કલમ 12 (iii) હેઠળ, દરેક કુટુંબ ચાર લાખ રુપિયાનું વળતર મેળવવા હકદાર છે જેના પરિજનનું કોરોના વાયરસને કારણે મોત થયું છે. અન્ય અરજદારના વકીલ રિપક કંસલે દલીલ કરી હતી કે COVID-19 ને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પ્રમાણપત્ર દ્વારા જ અસરગ્રસ્ત પરિવારો એક્ટની કલમ 12 (iii) હેઠળ વળતરનો દાવો કરી શકે છે.