એક ભમરો બગીચામાં ઊડાઊડ કરે, જુદાં જુદાં રંગબેરંગી ફૂલો પર ઊડે, ફૂલોનો રસ ચૂસે, ફૂલોની સુગંધ માણે અને ભ્રમર ગુંજન કરતાં કરતાં ચારે બાજુ ઊડતો રહે. બગીચાની બાજુમાં એક ગંદુ નાળું વહેતું હતું. તે નાળામાં એક કીડો રહે. એક દિવસ ભમરાની નજર એ કીડા ઉપર પડી. નાળાનાં ગંધાતાં પાણીમાં એ કીડો રહેતો હતો. ભમરાએ તેને કહ્યું, ‘‘તને આટલા ગંદા પાણીમાં કેમ રહેવું ફાવે છે?’’ કીડાએ કહ્યું, ‘‘દોસ્ત, આ મારું ઘર છે. હું તો અહીં જ રહું છું.’’ ભમરો હસ્યો અને કહ્યું, ‘‘ તેં મને દોસ્ત કહ્યો ને તો કાલે તૈયાર રહેજે. હું તને સ્વર્ગની સફર કરાવીશ.’’
બીજે દિવસે ભમરો આવ્યો અને કીડાને પોતાના ખભા પર બેસી જવા કહ્યું અને કીડાને લઈ ઊડ્યો. આખા બગીચાની સફર કરાવી. ગંદા નાળાનો કીડો સુગંધી વાતાવરણ રંગબેરંગી ફૂલો જોઈને ખુશ ખુશ થઈ ગયો. તેણે ભમરાને કહ્યું, ‘‘ મને આજે આખો દિવસ અહીં જ રહેવા દે.’’ ભમરાએ કહ્યું, ‘‘ઠીક છે, ક્યાં રહેવું છે?’’ કીડાએ એક સુંદર મજાનું ફૂલ પસંદ કરીને કહ્યું, ‘‘ મને અહીં મૂકી દે. સાંજના લઈ જજે.’’ કીડાને તે ફૂલ પાસે મૂકીને ભમરો તો આખા બગીચામાં ફરીને ફૂલોનાં રસ ચૂસવા લાગ્યો. કીડાને તો બગીચામાં સાચે જ સ્વર્ગ જેવું લાગતું હતું.
આખો દિવસ વીતી ગયો. ભમરો ઊડાઊડ કરતો કરતો ક્યાંય દૂર નીકળી ગયો અને કીડાને પાછો લઈ જતાં ભૂલી ગયો. કીડો જે ફૂલમાં હતો એ ફૂલ સૂર્યાસ્ત થતાં બિડાઈ ગયું અને કીડો ફૂલની અંદર જ રહી ગયો. બીજે દિવસે સવારે માળી આવ્યો, માળીએ ભગવાનની માળા બનાવવા માટે ફૂલ ચૂંટવાની શરૂઆત કરી અને જોગાનુજોગ કીડો જે ફૂલમાં હતો એ ફૂલ પણ માળીએ ચૂંટી લીધું. એ ફૂલ માળામાં ગૂંથાયું. એ માળા બિહારીજીના કંઠમાં પહેરાવવામાં આવી.
નાળામાં રહેતો કીડો, મંદિરમાં રહેતા ભગવાનની ગ્રીવા સુધી પહોંચી ગયો અને આખો દિવસ ભગવાનના સાન્નિધ્યમાં રહ્યો. બીજે દિવસે કરમાયેલા નિર્માલ્ય ફૂલોને યમુના નદીમાં વહાવી દેવામાં આવ્યા. કીડો પણ સાથે યમુના નદીમાં વહેવા લાગ્યો. કીડાએ વિચાર્યું, ‘‘ હું નાળામાં રહેતો ગંદો કીડો, ભમરા જેવા દેવદૂત દોસ્તની મદદથી ફૂલ સુધી પહોંચ્યો, જન્નતની મજા માણી, ફૂલની સંગાથે રહીને ભગવાનની ગરદન સુધી પહોંચી ગયો, પ્રભુને પામ્યો અને યમુનામાં પ્રવાહિત થઈને પવિત્ર થઈ ગયો.’’ મિત્રો, આપણા બધાના જીવનમાં પણ આ ભમરા જેવું કોઈક ક્યારેક ને ક્યારેક આવે જ છે. ઈશ્વર તેને મોકલે છે. તેના સાથને પામજો, તેની સંગાથે રહેજો, તેની સૂચના પ્રમાણે ચાલજો અને દેવદૂત સમા સાથીનો હાથ ઝાલીને જીવન પાર કરી લેજો.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.