ભરૂચ: સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલ અરાજકતાનાં માહોલ હાલમાં થાળે પડ્યો છે. ત્યારે, હવે ભરૂચમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ભરૂચમાં બે જૂથના ટોળા સામસામે આવ્યા હતા. ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો વધારે ગંભીર બન્યો હતો. જેને લઇ બંને ટોળાએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જો કે, પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
- ભરૂચમાં મોડી રાત્રે તંગદિલીનો માહોલ સર્જાયો, અલગ અલગ કોમનાં બે જૂથ વચ્ચે ઘર્ષણ
- બંને કોમનાં ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર
સુરત બાદ ભરૂચમાં મંગળવારે મોડી રાતે તંગદિલી સર્જાઈ હતી. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કોમનાં જૂથ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ધાર્મિક તહેવારો દરમિયાન ઝંડા લગાવવા મામલે તકરાર થતાં મામલો બીચક્યો હતો. જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ભરૂચ પોલીસ દ્વારા કેટલાક શખ્સોને ડીટેઇન કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાબતે ભરૂચના એસ.પી. મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે સાંજના 10 વાગ્યાની આસપાસે ઘટના બની હોવાનો કોલ કન્ટ્રોલરૂમને મળ્યો હતો. જેને લઇ ઘટના સ્થળે ડીવાઇએસપી, બી ડિવીઝન પોલીસ, એસઓજી,એલસીબી સહીત તમામ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઇ હતી. જે બાદ ટોળઆને વિખેરવામાં આવ્યા હતા.
જે લોકો વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા તે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે. સીસીટીવી અને સ્થાનિકોની મદદ લઇને તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભરૂચ પોલીસે બંને કોમનાં લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મોડીરાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.