Sports

કોમનવેલ્થ ગેમ્સમાં ધ્વજવાહક બનવાની તક ગુમાવવાથી નીરજ ચોપરા નિરાશ

નવી દિલ્હી: ઓલિમ્પિક્સ (Olympics) ચેમ્પિયન નીરજ ચોપરાએ (Neeraj Chopra) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ગુરૂવારે યોજાનારા ઉદ્દઘાટન સમારોહમાં ધ્વજવાહક તરીકે દેશનું નેતૃત્વ કરવાની તક ગુમાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. આ ઓલિમ્પિક્સ ચેમ્પિયન ભાલા ફેંક એથ્લેટ હાલમાં જ યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવાના અભિયાન દરમિયાન ઘાયલ થયો હતો.

  • હાલ મારું સંપૂર્ણ ધ્યાન મારા રિહેબિલિટેશન પર હશે અને હું ટૂંકમાં જ મેદાન પર પરત ફરવાનો પ્રયાસ કરીશ : નીરજ ચોપરા
  • નીરજ ચોપરાએ 10 ઓગસ્ટથી મોનાકો અને 26 ઓગસ્ટથી લુસાનેમાં યોજાનારી ડાયમંડ લીગમાં ભાગ લેવાના વિકલ્પ ખુલ્લાં રાખ્યા


આ 24 વર્ષિય સ્ટાર અથ્લેટ બર્મિંઘમમાં પોતાના ટાઇટલનો બચાવ કરવા માટે બધી રીતે તૈયાર હતો, પણ એમઆરઆઇ સ્કેનમાં નજીવી ઇજાની જાણ થયા પછી તેણે કોમનવેલ્થ ગેમ્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. નીરજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યું હતું કે મને એ વાતનો અફસોસ છે કે હું બર્મિંઘમમાં દેશનું પ્રતિનિધિત્વ નહીં કરી શકીશ. મને ખાસ તો ઉદ્દઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક બનવાની તક ગુમાવવાને કારણે નિરાશા થઇ છે.
તેણે કહ્યું હતું કે હાલ તો મારું સંપૂર્ણ ધ્યાન મારા રિહેબિલિટેશન પર હશે અને હું ટૂંકમાં જ મેદાન પર પરત ફરવાનો પ્રયાસ કરીશ. નીરજ બહાર થવાના કારણે કોમનવેલ્થ ગેમ્સ એથ્લેટિક્સમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. તેણે કહ્યું હતું કે મને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથા થ્રો દરમિયાન સ્નાયુ ખેંચાઇ જવાને કારણે થોડી તકલીફ લાગી હતી અને ગઇકાલે અહીં અમેરિકામાં તેની તપાસ કરાવતા એક નજીવી ઇજા બાબતે માહિતી મળી છે. જેના માટે મને થોડા અઠવાડિયા સુધી રિહેબિલિટેશનની સલાહ અપાઇ છે. તેનું રિહેબિલિટેશન અમેરિકા અથવા યૂરોપમાં થઇ શકે છે, એ અંગે હજુ નિર્ણય લેવાનો બાકી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ પછી 10 ઓગસ્ટથી મોનાકો અને 26 ઓગસ્ટથી લુસાનેમાં યોજાનારી પ્રતિષ્ઠિત ડાયમંડ લીગમાં ભાગ લેવાના વિકલ્પ ખુલ્લાં રાખ્યા છે.

Most Popular

To Top