લંડન: ભારતની (India) ભવાની દેવીએ અહીં ચાલી રહેલી કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશિપમાં (Commonwealth Fencing Championships) ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને પોતાના ટાઇટલને ડિફેન્ડ કર્યું હતું. વિશ્વની 42મી ક્રમાંકિત ભારતીય ફેન્સર ભવાની દેવીએ સીનિયર મહિલા સાબરે વ્યક્તિગત કેટેગરીની ફાઇનલમાં મંગળવારે ઓસ્ટ્રેલિયાની વેરોનિકા વાસિલેવાને 15-10થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થનારી પહેલી ભારતીય ફેન્સર બન્યા પછી ચેન્નાઇની ભવાની દેવીએ આ રમતમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. તેણે ઇસ્તંબુલમાં રમાયેલા ફેન્સીંગ વર્લ્ડકપમાં આ વર્ષની શરૂઆત કરીને 23માં સ્થાને રહી હતી. તે પછી તેણે જુલાઇમાં કાહિરામાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને બીજા રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહી હતી. કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશિપ આ વર્ષની 10મી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ છે. ગોલ્ડ જીત્યા પછી ભવાની દેવીએ કહ્યું હતું કે ફાઇનલ ઘણી આકરી રહી હતી અને હું ભારત માટે વધુ એક ગોલ્ડ જીતીને ખુબ ખુશ છું. મારા માટે આ વર્ષનો પ્રવાસ ઘણો સારો રહ્યો છે અને હું આગામી ટૂર્નામેન્ટમાં પણ આ રિધમ જાળવી રાખવા માગુ છું.
મધ્યપ્રદેશની પ્રિયંકા કેવતે ઇન્ટરનેશનલ વુશુ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો
નવી દિલ્હી : મધ્યપ્રદેશના એક નાનકડાં ગામની રહીશ પ્રિયંકા કેવતે જ્યોર્જીયાના બટુમી ખાતે આયોજીત કરાયેલી ઇન્ટરનેશનલ વુશુ ટૂર્નામેન્ટમાં અંડર 18ની 48 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો. પ્રિયંકા મધ્યપ્રદેશના સીધી જિલ્લાના મધિલા ગામના આર્થિક રીતે નબળા પરિવારની પુત્રી છે અને તેના પિતા સ્થાનિક નર્સીંગ હોમમાં કેશિયરનું કામ કરે છે. પ્રિયંકાએ કહ્યું હતું કે આ મારી પહેલી ઇન્ટરનેશનલ સ્પર્ધા હતી અને તેમાં ભારતીય ધ્વજને ઉંચાઇ પર પહોંચાડવાથી ગર્વ અનુભવી રહી છું. હું મારા કોચ, માતા-પિતા અને એમ3એમ ફાઉન્ડેશનની આભારી છું જેમણે મને આ મુકામે પહોંચાડવામાં મારું સમર્થન કર્યું છે.
પ્રિયંકાએ કહ્યું હતું કે આ ગોલ્ડ મેડલ મને આકરી મહેનત કરવા માટેની પ્રેરણા આપતો રહેશે. હું હવે આગામી ચેમ્પિયનશિપની તૈયારીમાં જોતરાઇ ગઇ છું. તેણે શરૂઆતમાં પોતાના બાળપણના કોચ મનિન્દ શેર અલી ખાન પાસેથી તાલીમ લીધી હતી પણ હવે તે ભોપાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના કોચ રત્નેશ ઠાકુર, કલ્યાણી અને સારિકા ગુપ્તા પાસે તાલિમ લઇ રહી છે. વુશુ એક ચાઇનીઝ માર્શલ આર્ટ છે, જે એશિયન ગેમ્સ, સાઉથ-ઇસ્ટ એશિયન ગેમ્સ અને અન્ય કેટલીક મોટી રમત સ્પર્ધાઓનો એક ભાગ છે.