બર્મિંગહામ: આજે કોમનવેલ્થ ગેમ્સનો નવમો દિવસ છે. છેલ્લા 8 દિવસમાં ભારતે 26 મેડલ જીત્યા છે. જેમાં 9 ગોલ્ડ મેડલોનો સમાવેશ થાય છે. આઠમા દિવસે માત્ર કુસ્તીમાં ત્રણ ગોલ્ડ સહિત 6 મેડલ આવ્યા હતા. દરમ્યાન મહિલા ક્રિકેટ ટીમે પણ ભારત માટે એક મેડલ પાક્કુ કરી લીધું છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ચાર રનથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ છ વિકેટના નુકસાને 160 રન જ બનાવી શકી અને મેચ ચાર રનથી હારી ગઈ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા સામે રમશે. ફાઇનલમાં ભારતનો મુકાબલો કોની સાથે થશે તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચના પરિણામ બાદ નક્કી થશે.
ભારતીય મહિલાઓ ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. હવે કમ સે કમ સિલ્વર મેડલ જીત્યો કે હાર્યો ખિતાબની મેચમાં ઘરે આવવાનું નિશ્ચિત છે. સેમીફાઈનલમાં ટોસ જીત્યા બાદ ભારતે સ્મૃતિ મંધાનાની ઝડપી અડધી સદીના કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લિશ ટીમ માત્ર 160/6 રન બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં તેને જીતવા માટે 14 રન બનાવવાના હતા, પરંતુ સ્નેહ રાણાએ પણ 9 રન આપીને એક વિકેટ લીધી હતી.
કુસ્તીની ફાઇનલમાં પહોચ્યો નવીન
ભારતીય કુસ્તીબાજ નવીન ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના ચાર્લી બોલિંગને 12-1થી હરાવ્યો હતો. નવીને પોતાના માટે મેડલ મેળવ્યો છે. મેન્સ રેસલિંગમાં રવિ કુમારે મેન્સ 57 કિગ્રા કેટેગરીમાં ન્યૂઝીલેન્ડના સૂરજને 10-0થી હરાવ્યો હતો. આ સાથે તેણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મહિલા કુશ્તીમાં પૂજા સિહાગને 76 કિગ્રા વજન વર્ગમાં કેનેડાની જસ્ટિનાએ 6-0થી હાર આપી છે. સેમી ફાઈનલ મેચમાં હાર સાથે પૂજાની ગોલ્ડ જીતવાની આશા ખતમ થઈ ગઈ છે. જો કે, તે હજુ પણ બ્રોન્ઝ મેડલ માટે દાવો કરશે.
પ્રિયંકા ગોસ્વામીને સિલ્વર, અમિત ફાઇનલમાં
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને 27મો મેડલ મળ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ 10 કિમી વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રિયંકાએ આ અંતર 43 મિનિટ અને 38.82 સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ પણ પ્રિયંકાની અંગત સર્વશ્રેષ્ઠ હતી. બોક્સિંગમાં ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. અમિત પંઘાલે 48-51 કિગ્રા ફ્લાયવેટ કેટેગરીમાં ઝામ્બિયાના પેટ્રિક ચિન્યામ્બાને 5-0થી હરાવ્યો હતો. આખી મેચ દરમિયાન અમિતે પોતાની આક્રમક રમતથી વિરોધી ખેલાડીને પરેશાન કર્યા હતા.
બોક્સિંગમાં ગોલ્ડની આશા, નીતુ ફાઇનલમાં પહોંચી
ભારતને હવે બોક્સિંગમાં ગોલ્ડની આશા જાગી છે. નીતુ ગંગાસે ફાઇનલમાં પહોંચીને આ આશા જાગી છે. નીતુએ 45kg-48kg (લઘુત્તમ વજન) કેટેગરીની સેમીફાઈનલમાં કેનેડાની પ્રિયંકા ધિલ્લોનને હરાવી હતી. બંને વચ્ચેની આ મેચ એક મિનિટ અને ત્રીસ સેકન્ડ સુધી ચાલી હતી.
અવિનાશ સાબલે સ્ટીપલચેઝમાં સિલ્વર જીત્યો
અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અવિનાશે તેની રેસ 8.11.20 મિનિટમાં પૂરી કરી. આ સાથે તેણે ત્રણ હજાર મીટરની દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. તે ગોલ્ડ મેડલ વિજેતા અબ્રાહમ કિબિવોટથી માત્ર 0.5 સેકન્ડ પાછળ હતો. કેન્યાના અબ્રાહમે તેની રેસ 8.11.15 મિનિટમાં પૂરી કરી હતી. તે જ સમયે કેન્યાના અમોસ સેરેમે 8.16.83 મિનિટમાં પોતાની રેસ પૂરી કરી અને બ્રોન્ઝ મેડલ જીત્યો.