સુરતઃ સુરત શહેરમાં કોરોનાના સંક્રમણમાં અત્યંત વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતિ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં તથા મોતની સંખ્યામાં અત્યંત વધારો થતાં ગુજરાત સહિત સમગ્ર સુરત શહેરની વિવિધ હોસ્પિટલો ખાતે પ્રજા બેફામપણે લુંટાઈ રહી છે અને સંલગ્ન તમામ જરૂરી દવાઓ, ઈન્જેક્શનો, ઓક્સિજનની બોટલ, ઓક્સિજન કિટ, વેન્ટિલેટરની વહીવટી તંત્રની અણઆવડતના કારણે વર્તાતી અછતના કારણે કાળાબજારી કરી બેફામપણે લૂંટ ચલાવાઈ રહી છે. જે અંગે યોગ્ય દર નક્કી કરી કમિટીની રચના કરવામાં આવે એ માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિનેશ કાછડિયા દ્વારા આરોગ્ય સચિવ જયંતી રવિને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોવિડની સારવાર કરતી અને ખાસ કેસમાં છૂટ આપવામાં આવેલાં દવાખાનાં, નર્સિંગ હોમ, ટ્રસ્ટ, પ્રાઈવેટ સંસ્થાઓ પૈકી ઘણી ખરી સંસ્થાઓ દ્વારા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ, ઈન્જેક્શનો, લેબોરેટરી ફી, એક્સ-રે તથા સિટી સ્કેન સહિતની તમામ સંલગ્ન ફીમાં અત્યંત વધારો ઝીંકી દીધો છે. અને કોવિડ-19ના આપત્તિ સમયને અવસર સમજી લોકોની મજબૂરીનો લાભ લઈ સામાન્ય હોસ્પિટલો દ્વારા દુકાનો ભાડે રાખી સોશિયલ ડિસ્ટન્સ વગર મહત્તમ બેડ મૂકી એક દિવસનો બેડના ચાર્જ સહિતના ચાર્જમાં ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
જે અંગે તાકીદે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. સુરતની પ્રજાને કોવિડ-19ની સારવાર વ્યાજબી દરે મળી રહે અને તે માટે ચોક્કસ નીતિ નિર્દેશ બહાર પાડવામાં આવે અને તેના કડક પાલન તથા નિયમન માટે સ્થાનિક સ્તરે કમિટીઓની રચના કરવામાં આવે અને તે બાબતે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી પ્રજાને લૂંટથી બચાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.