Columns

સમિતિ, અહેવાલ, પર્યાવરણ, નિસ્બત વગેરે વગેરે…

‘વિકાસ’ ખરેખર તો ભાવવાચક નામ છે, કેમ કે, તેને જોઈ કે સ્પર્શી શકાતો નથી, પણ અનુભવી અવશ્ય શકાય છે. બસ, એ માટે ‘ભાવના’ હોવી જોઈએ. આપણે ઘરની બહાર નીકળીએ અને ચાર રસ્તે ટ્રાફિક જામ મળે એમાં પણ ‘વિકાસ’ને સૂંઘી શકાય અને છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પડેલા ટાયરફાડ ખાડામાં પણ વિકાસને પામી શકાય. હવે આપણા વિકાસશીલ દેશમાં વિચારશીલ નાગરિકોએ એટલું સમજી લેવાની જરૂર છે કે પોતાને ગમે કે ન ગમે, વિકાસની દોટ અવિરત વધતી રહેવાની છે. થોડા સમય અગાઉ કર્ણાટક સરકારે કસ્તૂરીરંગન અહેવાલ પરથી ધૂળ ખંખેરીને તેના અમલ બાબતે કંઈક સંચાર કર્યો. પણ એ પછી તેણે આ અહેવાલની ભલામણોને નકારી દીધી. આ સમિતિ,  તેનો અહેવાલ અને તેની ભલામણો તેમજ તેના અમલના ઈન્કારનો આખો ખેલ જાણવા જેવો છે.

વાત 2011ની છે. કેન્દ્ર  સરકાર દ્વારા પશ્ચિમ ઘાટના અભ્યાસ માટે નિયુક્ત થયેલી માધવ ગાડગીલ સમિતિએ સૂચવ્યું કે પશ્ચિમ ઘાટની લગભગ સમગ્ર ગિરિમાળાને પર્યાવરણની રીતે સંવેદનશીલ વિસ્તાર (ઈકોલોજિકલી સેન્સીટીવ એરિયા-ઈ.એસ.એ.) ઘોષિત કરવામાં આવે.અહીંના વિવિધ વિસ્તારો માટે વિવિધ સ્તરનું રક્ષણ પૂરું પડાય, જે સંબંધિત વિસ્તારની નજાકત અનુસાર હોય. ઝોન 1માં ખનન,ઉષ્મા વિદ્યુત પ્લાન્ટી અને બંધ જેવી વિકાસપ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય. આનુવંશિક ફેરફાર કરાયો હોય એવા પાકને તમામ ઝોનમાં પ્રતિબંધિત કરાય. સ્વાભાવિકપણે જ આ સૂચનો આકરાં હતાં.

તેની ટીકા થઈ, જેનો મુખ્ય સૂર એવો હતો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ- એમ છ રાજ્યોમાં પથરાયેલા પશ્ચિમ ઘાટને ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાથી એ તમામ રાજ્યોના વિકાસમાં અવરોધ ઊભો થશે. વિરોધીઓ તેમજ લોકો તરફથી થયેલા પ્રચંડ વિરોધને પગલે કેન્દ્ર સરકારે 2012માં કસ્તૂરીરંગન સમિતિ નીમી.સ્વાભાવિકપણે જ તેનો હેતુ ગાડગીલ સમિતિના અહેવાલને મંદ કરીને વધુ ‘સ્વીકાર્ય’ અને ‘વ્યવહારુ’ અહેવાલ આપવાનો હતો. કસ્તૂરીરંગન સમિતિએ આપેલા અહેવાલ અનુસાર પશ્ચિમ ઘાટનો 37 ટકા જેટલો એટલે કે 60,000 ચો.કિ.મી. વિસ્તાર ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાની ભલામણ હતી. આ વિસ્તાર પૈકીનો 20,668 ચો.કિ.મી. વિસ્તાર કર્ણાટકમાં આવેલો છે, જેમાં 1,576 ગામડાંનો સમાવેશ થાય છે.

દેખીતી રીતે કસ્તૂરીરંગન સમિતિએ અગાઉની ગાડગીલ સમિતિના અહેવાલને ઘણી હદે મંદ કરી દીધો હતો, છતાં તેની ટીકા થઈ અને કર્ણાટક સરકારે આ અહેવાલને અભરાઈ પર ચડાવી દીધો. એ પછી ‘નવી ઘોડી નવો દાવ’ના ન્યાયે વનમંત્રી ઈશ્વર ખન્ડ્રે ના વડપણ હેઠળની સમિતિએ ભલામણ કરીને 16,632 ચો.કિ.મી. વિસ્તારને ‘ઈ.એસ.એ.’ તરીકે ઘોષિત કરવા સૂચવ્યું. આમ, કસ્તૂરીરંગન સમિતિના અહેવાલમાં ઉલ્લેખાયેલા વિસ્તારમાં તેણે 4,036 ચો.કિ.મી.નો ઘટાડો કર્યો.

પશ્ચિમ ઘાટમાં એવું તે શું છે કે તેમાં વિકાસકાર્યો કરવા માટે સમિતિઓ બનાવીને અહેવાલ મેળવવા પડે? 2012માં આ સમગ્ર વિસ્તારને વૈશ્વિક ધરોહર એટલે કે ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આખો વિસ્તાર અહીંની વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિને કારણે આગવું મૂલ્ય ધરાવે છે. આને કારણે અહીં કશું કામ સીધેસીધું શરૂ કરવામાં તકલીફ પડે છે. નહીંતર અત્યાર સુધી કશું બાકી રહ્યું હોત ખરું?

વિચિત્રતા એ છે કે પોતાના રાજ્યને વિકસિત કરવાની હોડમાં આવા મૂલ્યવાન વિસ્તારનું મહત્ત્વ વિસારે પાડી દેવામાં આવે છે. દેખાડો એવો કરવામાં આવે છે કે જાણે પ્રકૃતિ અને પર્યાવરણની સરકારને બહુ ફિકર છે. બીજી બાજુ સરકાર દ્વારા નીમાયેલી સમિતિનો અહેવાલ પોતાને ‘અનુકૂળ’ ન આવે ત્યાં સુધી એક પછી બીજી સમિતિ રચાતી જાય છે. આમ છતાં એ હકીકત છે કે એકે સમિતિનો અહેવાલ એક હદથી આગળ જઈ શકતો નથી. એ જ દર્શાવે છે કે આ સમગ્ર વિસ્તાર પર્યાવરણની રીતે કેટલો સંવેદનશીલ છે. એક તરફ વિવિધ વિકાસપ્રકલ્પો માટે અઢળક નાણાં અનુદાનરૂપે ઠલવાઈ રહ્યાં છે, જેમાં સ્વાભાવિકપણે જ પર્યાવરણના રક્ષણ માટે પણ અમુક ફાળવવામાં આવ્યા હશે, કેમ કે, એ વાસ્તવમાં થાય કે ન થાય, કાગળ પર થયેલું બતાવવું અગત્યનું છે.

આની સમાંતરે હેબ્બલથી સીલ્ક રોડ જંક્શનને જોડતા ટનલ રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ પ્રકલ્પ મંજૂર કરાયો છે. સાડા અઢાર કિ.મી. લાંબા આ માર્ગના નિર્માણનો અંદાજ 12,690 કરોડ છે, એટલે કે પ્રતિ કિ.મી. 685 કરોડ! વ્યવહારુ અભ્યાસ માટે સરકારે નીમેલા સલાહકારે હકીકતમાં બે ટનલ રોડ બનાવવાનું સૂચન કર્યું છે. એ પૈકી આ પ્રથમ પ્રકલ્પ ‘પાયલટ પ્રોજેક્ટ’ તરીકે બનાવવામાં આવશે. રાબેતા મુજબ, આ પ્રકલ્પ માટે જનમત લેવામાં આવ્યો નથી. હજી આ રકમ આરંભિક અંદાજ છે. સમાપન વખતે અંદાજિત રકમમાં અનેકગણો વધારો થતો હોય છે.

બંગલૂરુના જ નહીં,વિશ્વભરનાં શહેરોના અનુભવે જણાયું છે કે શહેરોની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નવા રોડ, પુલ, બોગદાં કે અન્ડરપાસ બનાવવાથી કદી હલ થતો નથી, કેમ કે, ખાનગી વાહનો માટે જેટલી વધુ વ્યવસ્થા કરવામાં આવે એટલા વધુ પ્રમાણમાં તે રોડ પર ખડકાતાં રહે છે અને સરવાળે ઠેરના ઠેર રહેવાય છે. આ અનુભવ હવે તો નાનાં નગરોમાં પણ થવા લાગ્યો છે. વિકાસ જો પર્યાવરણના ભોગે હોય, શાંતિના ભોગે હોય, નૈસર્ગિક સંપદાના ભોગે હોય, વન્ય જીવનના ભોગે હોય, તો એ વિકાસની અવસ્થા પ્રાપ્ત કરીને શું મેળવી લેવાનું?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top