સુરત પો.કમિશનરે જણાવ્યું કે 15 મી ફેબ્રુઆરીથી સુરતના ટુ-વ્હીલર વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે. આ નિર્ણય ખરેખર આવકારપાત્ર છે. પરંતુ સુરતીઓ તરફથી આપને બીજી પણ કેટલીક વિનંતિ છે (૧) તમામ ટ્રાફિક સિગ્નલોનું ફરજિયાત પાલન થાય (૨)તમામ રસ્તાઓ પરના ખાડા દૂર થાય (૩)તમામ રસ્તાઓ પર દબાણ દૂર થાય (૪)દિવસના સમય દરમિયાન શહેરમાં ટ્રકોની માતેલા સાંઢ જેવી અવરજવર ફરજિયાત બંધ થાય.
(૫)સીટી અને બીઆરટીએસની બસના ડ્રાઇવરો ફરજિયાત નિયમ મુજબ બસ હંકારે (૬) શોપિંગ સેન્ટરોનાં પાર્કિંગમાં કરેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરી તેમાં ફરજિયાત પાર્કિંગ કરાવવા જેવી વ્યવસ્થા થાય (૭) લારી ગલ્લાના દબાણ ફરજિયાત દૂર કરી રાહદારીઓને ચાલવા લાયક બનાવાય. (૮) બમ્પ બનાવતી વખતે ફરજિયાત એન્જિનિયરિંગના ધારા ધોરણનો ખ્યાલ રાખવામાં આવે (10) રીક્ષાઓમાં થતા ગુનાઓ કઈ રીતે રોકાશે? (11)LEDવાળાં વાહનો અકસ્માત કરાવે છે તેને નાથી બતાવો.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ગુજરાતમિત્ર’ તેરા કયા કહના?
તા. 22.1.25ના ‘ગુજરાતમિત્ર’ દર્પણ પૂર્તિની વાત છે. વાંચીને મન ખુશ ખુશ થઇ ગયું. ગુજરાતનાં અને બીજાં રાજયોનાં પક્ષીઓની વાત છે. આજના પેપરમાં રાજી નામનું પક્ષી જે ઘર આંગણાનું ચકલી જેવું પક્ષી છે. પણ એના વિશે જે જાણકારી મળી છે તે મોટી છે. ખૂબ ગમે છે. દર બુધવારે લેખક પ્રવીણ સરવૈયાના લેખની ખરેખર જાતજાતનાં પક્ષીઓની વાત સચિત્ર તથા લેખનથી આપી સૌ રસિકોની જ્ઞાનપિપાસા સંતોષો છો. મારી બાલકનીમાં નાનકડો પક્ષીઓ માટે ચણ ચણવાની એક થાળી મૂકવામાં આવી હતી. રોજ એમાં ચણ નાંખતા જાતજાતનાં પક્ષીઓ મારી બાલ્કનીમાં આવે, પાણી પીએ અને જાતજાતના ચણ ચણી જાય.
જાતજાતની ચકલીઓ આવે, કાગડા અને કાબર કબૂતર આવે. અરે, પોપટ પણ આવી જાય. કોયલ તો ન આવે પણ સામે ઝાડ પર સંતાઇને બેસીને કુહુકૂહુ કરે. વસંત આવશે એટલે વધારે કૂહુકૂહુ કરશે. એ નર છે તે તમારા લેખમાંથી જ ખબર પડી. પંખીલોકની સૃષ્ટિને માણવાનો અવસર જ રૂડો. ડો. સલીમની યાદ અપાવી દીધી. તો વાસ્કોદ ગામાની ગાથા વાંચી. ભારતને અંગ્રેજો માટે દ્વાર ખોલી આપનાર વાસ્કોદ ગામા હતો. તો એને રસ્તો બતાવનાર ભારતનો જ એક ખલાસી હતો. આપણે જાણતા જ હતા કે આ ભારતને ગુલામી તરફ લઇ જનારું પગલું હતું. વાસ્કોદ ગામાને વધાવતા હતા. પણ એની નીતિ તો જાણતા જ ન હતા. ખેર, આજે ભારત આઝાદ છે. ઘણી ઘણી માહિતી આપનાર ‘ગુજરાતમિત્ર’ની દરેક પૂર્તિઓને પણ વધાવીશું.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
