Business

કોમર્સ, ટાઈપીંગ કે શોર્ટહેન્ડ 91 વર્ષથી પેશનેટ ટિચીંગ માટે જાણીતું નામ ‘કેમ્બે ઇન્સ્ટિટ્યુટ’

આ વાકયને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું કેમ્બે ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સના સ્થાપક નૌશીરવાન કરંજિયાએ. ખંભાતમાં જે સંસ્થાનો પાયો નંખાયો અને સુરતમાં પાંગરેલી કેમ્બે ઇન્સ્ટિટ્યુટ શહેરમાં વાણિજયક્ષેત્રે જાણીતું અને માનીતું નામ રહ્યું છે. આજે 91 વર્ષથી આ ઇન્સ્ટિટ્યુટનું સંચાલન નૌશીરવાન કરંજિયાના પરિવારજનો બખૂબી સંભાળી રહ્યાા છે. એક ટેબલ, ખુરશી અને 50 કે 100 રૂપિયાના જૂના ટાઈપ રાઇટરથી શરૂ થયેલી આ ઇન્સ્ટિટ્યુટનો આજે 11 માં ધોરણથી લઈને M.COM. સુધીના વિધ્યાર્થીઓ લાભ લઈ રહ્યાા છે

સુરતમાં ‘કેમ્બે’ની શરૂઆત
1931માં
નૌશીરવાને સુરતની સર જે.જે. અંગ્રેજી શાળા અંગે વાણિજ્ય વિષયોના શિક્ષક માટેની જાહેરાત વાંચી અને તેઓ શાળાના આચાર્ય દસ્તુરજી ખુરશેદ દાબુ સાહેબને મળ્યા. ત્યારે જાણવા મળ્યું કે આ જગ્યા તો ફક્ત Diplima in Accountancy અંગેની જ હતી. અને તે અંગેની પરીક્ષા ભારતમાં લેવાતી ન હતી પરંતુ ખંભાતના એક શુભેચ્છક પાદરી રેવ. જ્હોન એમ. ડેવીની મદદથી સંચાલકોએ આ પરીક્ષા ભારતમાં લેવાનું નક્કી કર્યું જેમાં તેઓ સફળ થયા અને આમ, 1940માં તેઓ સર જે.જે. માં શાળામાં વાણિજય શિક્ષક બન્યા અને સુરતમાં ‘કેમ્બે’ની શરૂઆત થઇ.

રંગભૂમિના જાણીતા કલાકાર યઝદીભાઈ કરંજિયા આજે પણ ‘કેમ્બે’સાથે સક્રિય
સુરતમાં રંગભૂમિનું એક જાણીતું નામ એટલે યઝદીભાઈ કરંજિયા. જેઓએ પોતાના નાટકના શોખ સાથે પિતાના સપના સમાન કેમ્બેને પણ આજ સુધી પરિવારની મદદથી ધબકતું રાખ્યું છે. જો કે પોતાની રંગભૂમિની કલાને તેમણે કેમ્બે ની સાથે જ હંમેશા જીવંત રાખી છે. ત્યારે આટલા સમય દરમિયાન તેમને કેટલાક સારા અને ખરાબ અનુભવો પણ થયા છે ત્યારે એક અનુભવ અંગે જણાવ્યુ હતું કે, ‘ નવનિર્માણ આંદોલન સમયે શહેરના લીમડાચોક વિસ્તારમાં તેઓના ક્લાસ ચાલુ હતા. જો કે તેઓ કર્ફ્યુમાં રાહત હોય એવા સમયે ક્લાસ લેતાં હતા. આમ 3 માસ સુધી કલાસ ચાલ્યા પરંતુ એ દરમિયાન બાળકો તેમની જાણ વિના બહાર જઈને તોફાન કરતાં હતા. ત્યારે થયું એવું કે એકવાર યઝદીભાઈના ઘરે દિલ્હીથી કોઈ આધિકારી આવ્યા અને તેમના પરિવારને પુછ્યું કે યઝદીભાઈએ આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો?’ આ વાતથી તદ્દન અજાણ યઝદીભાઈ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તેમને શહેરના પાંચ વડા પાસેથી સારું સર્ટિફિકેટ લાવવાનું જણાવાયું હતું જેથી મેયર, DSP અને સમાજના વડા સહિતના મહાનુભાવો પાસેથી સર્ટિફિકેટ મળ્યા બાદ તેમનો છૂટકારો થયો હતો. જ્યારે સારો અનુભવ જણાવતા તેઓ કહે છે કે, આ ઘટના બન્યાના 6 થી 8 માસ દરમિયાન જ તેમની ગુજરાત એજયુ, ફિલ્મ સેન્સર બોર્ડમાં નિમણૂક થઈ અને જ્યારે તેઓ યુરોપમાં નાટક ભજવવા માટે ગયા ત્યારે એક જાણીતા ક્રિકેટરે તેમને લખાણ સાથે એક બેટ ભેટ આપ્યું હતું, જ્યારે બીજા શો દરમિયાન બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટરના સેક્રેટરી (નામ યાદ નથી) આવીને તેમને મળ્યાની ઘટના અવિસ્મરણીય છે.

કેમ્બે નામ કેવી રીતે પડ્યું
1931માં
જ્યારે ઈન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ તે સમયે અંગ્રેજો ખંભાતને ‘કેમ્બે’  કહેતા હતા, તેથી પોતાના વતનના નામ પરથી આ નામ પડ્યું હતું. જો કે ઇન્સ્ટિટ્યુટ શરૂ થયું ત્યારે નૌશીરવાનની ઉંમર માત્ર 19 વર્ષની હતી અને તેમણે માત્ર એક વિધ્યાર્થીથી શરૂઆત કરી હતી. કેમ્બેના પ્રથમ વિધ્યાર્થી તરીકે કેમ્બે હાઇસ્કૂલના હેડ માસ્ટર ભોગીલાલના પુત્ર રમણલાલ દાખલ થયા હતા. જો કે થોડા જ સમયમાં વિધ્યાર્થીઓની સંખ્યા 8  થઈ જયારે 1938માં 40 વિધ્યાર્થીઓ સાથે ટાઈપરાઇટરોની સંખ્યા 4 થઈ.

સરકારી માન્યતા પ્રાપ્ત થઈ
1943માં
કેમ્બેને સરકારી માન્યતા પ્રાપ્ત થઈ અને 1945 થી ડિપ્લોમા ઇન કોમર્સના વર્ગો શરૂ થયા, આ ઉપરાંત તે વેળાની આધુનિક ગણાતી ગ્રામોફોન પરથી ટાઈપ અને શોર્ટહેન્ડની ઝડપ વધારતી રીતથી વિધ્યાર્થીઓને સંતોષ થતો. નમ્રતા,સાદાઈ અને મિલનસાર સ્વભાવને કારણે તેઓ જ્ઞાન સાથે ગમ્મત કરાવતા. ટાઈપ રાઇટિંગ મશીન પર ટાઈપ કરવાની ઝડપ વધારવા તેઓ અમુક વાક્યો સૂચવતાં જેમાનું એક વાક્ય ‘pack my box with five dozen liquor jugs’ માં a થી z સુધીના બધા જ અક્ષરો સમાઈ જતાં.

કેમ્બેનું સુકાન ચિરંજીવીઓએ સંભાળ્યું : યઝદી કરંજિયા
વિધ્યાર્થીઓ
માટે જ પોતાનું જીવન ખર્ચી નાખનારા નૌશીરવાને મહેર લઘુલિપીના સંશોધનની શરૂઆત કરી અને એમાં એટલી મહેનત કરી કે, તેની અસર તેમના આરોગ્ય પર પણ થઈ. જો કે આ વેળાએ તેમના ભાઈ રોહિનટન તથા દાલીભાઈ પેટીગરાનો સંપૂર્ણ સાથ મળ્યો હતો. જો કે તારીખ 23-8-1966 ના રોજ તેમનો પવિત્ર આત્મા સ્વર્ગે સીધાવ્યો. નૌશીરવાનના અવસાન બાદ કેમ્બેનું સુકાન તેમના ચિરંજીવીઓ યઝદીભાઈ તથા મહેરનોશે સારી રીતે સંભાળી લીધું. અને આજે 91 વર્ષે પણ પિતાના પગલે ચાલીને કેમ્બેનું સફળ સંચાલન કરી રહ્યા છે. અને સાંસદ દર્શનાબેન જરદોષથી લઈને કેટલાક જાણીતા મહાનુભાવો આ ઇન્સ્ટિટ્યુટમાં શિક્ષણ લઈ ચૂક્યા છે.

શરૂઆત કેવી રીતે થઈ
નૌશીરવાન
ખંભાતમાં 4 ધોરણ સુધી ભણ્યા બાદ તેમના પરિવારજનોએ વર્ષ 1922 માં સુરતની શેઠ રૂસ્તમજી મંચેરજી કુકાની પારસી ઓર્ફનેજમાં રહીને ધી સર જે.જે. હાઇસ્કૂલમાં શાળાનું શિક્ષણ આગળ વધાર્યું જે દરમિયાન 1930માં અંગ્રેજી શોર્ટ હેન્ડ વિષય ભણાવવામાં આવતો હતો, જેમાં તેમણે ખૂબ મહેનત કરીને કાંસાનો ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે પોતાના વર્ગમાં વિધ્યાર્થીઓમાં 80 ની ઝડપે પ્રથમ આવવા બદલ સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. બાદમાં તેમણે વર્ષ 1931માં Teachers diploma in short-hand ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી અને ફક્ત 18 વર્ષની ઉંમરે પોતાના વતન ખંભાત જઈને જે શાળામાં પોતે ભણ્યા હતા ત્યાં વ્યાયામ શિક્ષક તરીકે જોડાયા, પરંતુ તેમના અંતરઆત્માએ તેમને ખ્યાતનામ માનવતાવાદી વાણિજય શિક્ષક બનવા પ્રેરણા આપી. જેથી તારીખ 15 ઓગસ્ટ 1931 ના રોજ નૌશીરવાને 80 રૂપિયાની કિંમતે એક રોયલ ટાઈપ રાઇટર ખરીદી ધી કેમ્બે ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સની સ્થાપના કરી.

ત્રીજી પેઢી પણ કરે છે સપોર્ટ : શેહઝાદ કરંજિયા
યઝદીભાઈનો દીકરો શેહઝાદ કરંજિયા આમ તો CA છે અને સાથે જ પિતાની જેમ નાટકો અને સંગીતમાં પણ રુચિ ધરાવે છે. સ્કૂલમાં પ્રેયર ગાવાથી કરેલી શરૂઆત બાદ,જ્યારે તેઓ ફ્ક્ત નવમા ધોરણમાં હતા ત્યારે ટર્કીમાં કવ્વાલીના સિલેકશન સુધી લઈ ગઈ હતી, અને ગાવાનો શોખ આ આજે પણ તેમણે જાળવી રાખ્યો છે. જો કે તેઓને વાણિજયમાં રસ હોવાથી અને પોતાના ઈન્સ્ટિટ્યૂટ સાથે ખાસ લગાવ હોવાના કારણે તેઓ ઇન્સ્ટિટ્યુટમાં સેવા આપે છે. જો કે તેઓ જણાવે છે કે, કોલેજમાં ઓબ્જેક્ટિવની પ્રથા ચાલુ થઇ હોવાથી વિધ્યાર્થીઓ ઓછા થયા છે પણ અત્યારે તેમને ત્યાં B.COM. ઓનર્સથી લઈને M.COM. સુધીના કોર્સ તો ચાલે જ છે, તેમજ આ ઉપરાંત પણ કેટલાક ઇકોનોમિક્સ શીખવા માંગતા B.A. ના વિધ્યાર્થીઓ પણ આવે છે.

સમય સાથે પર્સનાલીટી ડેવલપમેન્ટના ક્લાસ પણ શરૂ કર્યા: મહારૂખ ચીચગર
યઝદીભાઈના દીકરી મહારૂખ જણાવે છે કે,  ‘અમે ફકત  બિઝનેસ નથી કરતા પણ દાદાના સમયથી ટીચીંગ પ્રત્યે પેશન ધરાવીએ છીએ. જો કે સમય સાથે અમે વેકેશનમાં પર્સનાલિટી ડેવલોપમેન્ટના ક્લાસ પણ નજીવી ફી સાથે શરૂ કર્યા છે.’ જો કે તેમણે શહેરની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સેવા આપી છે અને જે દરમિયાન તેઓ મોસ્ટ લવલી ટીચરનો ખિતાબ પણ મેળવી ચૂક્યા છે ત્યારે આજના ટ્યુશન પોલિટિક્સ અંગે જણાવે છે કે હાલમાં શિક્ષણમાં પણ ટોળાં કલ્ચર વિકસી રહ્યું છે જેના કારણે વિધ્યાર્થીઓ શિક્ષણને મહત્વ નહીં આપી ટોળાં સાથે ખેંચાઇ રહ્યા છે. જો કે આ ઇન્સ્ટિટ્યુટની વિશેષતા એ છે કે, જો કોઈપણ વિધ્યાર્થીને ક્લાસમાં નહીં ફાવે અને તેને જવું હોય તો તેમને તેમની પૂરેપુરી ફી પરત કરવામાં આવે છે તથા અન્ય કલાસિસ કરતાં ફી પણ ઓછી રાખવામા આવી છે જેથી કોઈપણ વિધ્યાર્થી આવી શકે.

Most Popular

To Top