હાલ, ‘‘ચાય પે ચર્ચાનો’’ કોઈ સામાન્ય વિષય હોય તો તે છે ચૂંટણી અને મોંઘવારી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીમાં સરેરાશ વધુ મતદાન થયું એ એક પાસું છે. જ્યારે બીજું પાસું અમુક ગામનાં લોકોએ સંપૂર્ણ રીતે મતદાનનો બહિષ્કાર કરી એક પણ મત ન આપ્યો. ગામલોકોનો મતદાન બહિષ્કારનો સંપ અધિકારીઓને સબક શિખવવા માટે સ્તુત્ય પગલું છે.
આપણો મત ખૂબ કિંમતી છે, જેના દ્વારા આપણે યોગ્ય પ્રજાસેવકોને ચૂંટવાનો હક છે કે જેઓ પ્રજાને પ્રાથમિક જરૂરિયાતોને સમજી તેને પૂર્ણ કરવાની પોતાની ફરજ નીભાવે. પરંતુ કાગડા બધે જ કાળા હોય તો આપણે કોને ચૂંટવા. દેશને વિશ્વગુરુ બનાવવા સપનાં તો જોઈશું, પણ અંતરિયાળ ગામડાંની પ્રાથમિક સુવિધાઓનું શું?
મોટાં શહેરોની બાહ્ય સુંદરતા, મોટા-મોટા ઓવરબ્રીજ અને કેટલાક પ્રોજેક્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચાશે! પરંતુ ગામડામાં નદી પાર કરવા માટે એક પુલ પણ ન હોય અને એના જેવી બીજી અનેક સુવિધાઓ ન મળતી હોય તો મતદાનનો બહિષ્કાર ન થાય તો બીજું શું થાય?
અમરોલી -પાયલ. વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.