તાજેતરમાં સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી બે કામગીરી વિશેષ પ્રશંસનીય બની રહી. એક મધ્યમ વર્ગીય વિધવા માતા પોતાની દીકરીના ઉત્સાહભેર લગ્ન કરાવી રહી હતી. કન્યા પક્ષે સૌ પ્રથમ જાનૈયાંઓ માટે જમણવાર શરૂ કર્યો. કોઈક કારણસર રસોઈની કેટલીક વાનગીઓ ખૂટી જતાં સૌ જાનૈયાઓ રોષે ભરાયાં! વરરાજાના પરિવારે તથા સૌ સગાંઓએ લગ્નવિધિ કર્યા વિના જ જાન પરત લઈ જવાનો નિર્ણય કર્યો! નજીકના પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર હકીકત જણાવી. આ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા તેમની ટીમે કન્યા અને તેની માતાને સાંત્વના આપી.
વરરાજા તથા તેના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા. પોલીસની સમજાવટથી પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જ લગ્નવિધિ સંપન્ન થઈ! કન્યાએ તથા તેની માતાએ પોલીસનો આભાર માની હર્ષના આંસુ સાથે ત્યાંથી વિદાય લીધી.બીજા એક બનાવમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેર પી લીધું. કોઈક જાગૃત નાગરિકે 100 નંબર પર પોલીસને જાણ કરી પોલીસવાન જે તે સ્થળે આવી પહોંચી પરંતુ જ્યાં યુવતી બેહોશ પડી હતી ત્યાં કોઈ પણ વાહન પહોંચી શકે એમ નહોતું.
કાદવ-કીચડવાળી આ જગ્યા પર એક પોલીસ જવાન પહોંચી ગયો અને પોતાના ખભા પર યુવતીને ઊંચકી મુખ્ય માર્ગ પર લઈ આવ્યો. પોલીસવાનમાં જ યુવતીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પોલીસની સમયસૂચકતા તથા માનવતાભરી કામગીરી થકી યુવતીને તાત્કાલિક સારવાર મળી અને એક જિંદગી બચી ગઈ. અનેક આક્ષેપો અને ફરિયાદોની વચ્ચે પણ આવી ઉમદા કામગીરી કરનાર પોલીસ જવાનોને અનેક-અનેક અભિનંદન.
સુરત – પ્રફુલ્લ એમ. રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.