Charchapatra

શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ચાલતી સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ: ‘મળવા જેવા માણસ’

શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં મળવા જેવા માણસ નામે એક સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ ચાલે છે. આ એ પ્રવૃત્તિનો 7મો મણકો જેમાં ગુજરાતમિત્રના દર્પણ પૂર્તિમાં લેખ લખતા મિત્તલ પટેલે વિચરતી વિમુકત જાતિઓના પ્રશ્નો વિષે મનનીય વિચારણીય પ્રવચન તા. 31.8.24ના દિને કર્યું હતું. તેઓએ ભટકતી, નિરાધાર પ્રજાની સાથે રહીનેએમના પ્રશ્નોને, વેદનાઓને અનુભવીને તેની રજૂઆતો સરકાર અને સમાજ સમક્ષ પણ કરી છે અને તેનાથી ઘણા વંચિતો અને રોજીરોટી માટે વિચરતી પ્રજાને ફાયદો પણ થયો છે.

એમણે ગરીબો, વંચિતોના ઉધ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ પોતે બાળપ્રેમી, પર્યાવરણ પ્રેમી અને માનવપ્રેમી હોય સંવેદનશીલ છે. તેમણે પ્રવચન કરતા કહ્યું હતું કે વિચરતી, ભટકતી પ્રજાની હાલત ખુબ ખરાબ અને દયનીય છે. તેઓનો કોઇ બેલી નથી. સરકાર અને સમાજે જાગૃત થઇ એ વંચિતોને, ભટકતી પ્રજાને માટે કંઇક કરવું જોઇએ. એઓ પણ માનવ છે તેઓને જાકારો ન અપાય. તેઓ અપરંપાર દુ:ખ સહન કરે છે. તેઓની પરિસ્થિતિમાં સુધારો થાય તે અત્યંત જરૂરી છે.
નવસારી           – મહેશ ટી. નાયક-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટકા નહીં ટેકો આપીએ
માસુમ બાળક પાસે ખૂબ ઊંચા ટકા લાવવાની અપેક્ષા એ સજા નથી? ભરી સભામાં દ્રૌપદીના ચિરહરણની ઘટનાનું રીહર્સલ નથી લાગતું! સમગ્ર શિક્ષણ જગત ગાંધારીનાં રોલમાં છે. નર્સરીથી જ બાળક હરીફાઈમાં ઉતરે છે.(બિચારાએ ઉતરવું પડે છે.) પ્રત્યેક માતાપિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બનાવવા રઘવાયા થઈને કુદકા લગાવે છે. એમનાં અધુરા સ્વપ્નોની અપેક્ષામાં ભોગ લેવાય છે માસુમ બાળકોનો, એમની માસુમિયતનો, એમના નિર્દોષ હાસ્યનો. બાળક એ કંઈ પ્રદર્શનમાં મૂકવા જેવું કે હરીફાઈમાં ઉતારવાનો વિષય નથી. હાલની શિક્ષણવ્યવસ્થા પણ એવી છે કે જેમાં બાળક પર ટકાવારીનું ભારણ આવે છે. અભ્યાસમાં ટકાવારી કેન્દ્રસ્થાને હોય, બાળક ઘર, શાળા, ટ્યુશન ક્લાસીસ,ગૃહકાર્ય અને છાશવારે લેવાતી પરીક્ષા ઓનાં ચક્કરમાં પીસાયા કરે છે.

શિક્ષણ પ્રક્રિયામાં યંત્રપણું વધુ દેખાય છે. પરિણામે બાળક સંવેદના, સાહસ, સ્મિત, સમજ, સંવાદ, સંસ્કાર ચૂકે છે. હતાશ થઈને સુસાઇડ તરફ વળે છે. ઉચ્ચ અભ્યાસ માટે ઊંચું મેરીટ હોય, ઊંચી ટકાવારી જોઈએ પણ માત્ર ટકા માટે જ ભણાવવાનું કે ભણવાનું! માત્ર ટકા માટે જ આવી હોડ! બાળક ડિપ્રેશનમાં આવી જાય, શિક્ષણ, શાળા અને શિક્ષકને જ નફરત કરતું થઈ જાય! બાળક ડરી જાય, ભાગી જાય, મરી જાય! કયાં સુધી?બાળકને ટીકા, ટોક ટોક કે ટકાનાં દબાણને બદલે ટેકો આપીએ તો!? કદાચ એક ફૂલ અકાળે મુરઝાતુ તો બચી જાય!
સુરત     – અરૂણ પંડ્યા –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top