Entertainment

કોમેડી તો કપિલની જ

કપિલ શર્મા તેના શોની નવી સીઝન સાથે ત્રીજી સપ્ટેમ્બરે ફરી ઓન એર થશે. જૂન મહિનાની પાંચમી તારીખથી તે ઓફ એર થયો હતો. કપિલ આ દરમ્યાન અમેરિકા અને કેનેડાની ટૂર કરી આવ્યો છે એટલે તેની કમાણી તો અટકી નહોતી પણ તેના શશોના ચાહકો જરૂર તેની ગેરહાજરીનો અનુભવ કરતા હતા. આ વખતે તેની ટીમમાંના સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને રાજીવ ઠાકુર, ભારતીમાંથી કોણ શોમાં હશે અને કોણ નહીં હશે તે શોના ફોર્મેટ આધારે હશે. પણ પેલો સુનીલ પાછો વળે એવી કોઇ શકયતા નથી. કૃષ્ણા અભિષેક, ફીકુ શારદા ને ચંદન પ્રભાકર, સુમોના ચક્રવર્તીને પણ તે જાળવી રાખશે એવું ધારી શકાય.

સપ્ટેમ્બરમાં જે મહત્વની ફિલ્મો રજૂ થઇ રહી છે તેમાં ‘બોમ્બે ગર્લ’, ‘સબ ફર્સ્ટ કલાસ હે’, ‘અભિ તો પાર્ટી શુરૂ હુઇ હૈ’, ‘સ્ત્રી-2’, ‘શહેજાદા’, ‘અંદાઝ અપના અપના-2’, ‘અદ્‌ભૂત’, ‘બ્રાહ્માસ્ત્ર’, ‘ચકદા એકસપ્રેસ’, ‘ચૂપ’, ‘ઓએમજી-2’ વગેરેની ધારણા છે. એટલે આ ફિલ્મોના ઘણાં કળાકારો પ્રમોશન માટે આ શોમાં આવશે. એટલે જાન્હ્‌વી કપૂર, રણબીર કપૂર, શ્રધ્ધા કપૂર, કાર્તિક આર્યન, ક્રિતી સેનન, સની દેઓલ અને અમિતાભ બચ્ચન સહિતના કળાકારોની અપેક્ષા રાખી શકો.

કપિલ તેની નવી સીઝનની તૈયારી રૂપે હેરસ્ટાઇલથી માંડી દાઢી બદલી છે અને હા, વધારે ફિટ પણ દેખાશે. તેનું આ નવું લુકસ લોકોને ગમશે. તે દરેક વખતે નવી તૈયારી કરતો જ હોય છે. કહે છે કે તેના નવા લુકની સ્ટાઇલ તેની પત્ની ગિન્ની ચતરથે કરી છે. હમણાં તે જાડો થતો જતો હતો પણ તેણે આ વખતે ફરી નિયંત્રણ મેળવી લીધું છે. તેણે નવા લુકમાં નવી સીઝનનો પ્રોમો પણ શૂટ કર્યો છે જે અર્ચના પૂરણ સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. કપિલના શોની નવી સીઝન તો શરૂ થશે પણ તેની એક ફિલ્મ ‘જિવગાટો’ પણ રિલીઝ થવાની છે જેમાં તે ડિલીવરી બોય તરીકે દેખાશે. એ ફિલ્મ નંદિતા દાસના દિગ્દર્શનમાં બની છે. નંદિતાની ફિલ્મો ગંભીર મિજાજની હોય છે અને કપિલ તેના હાસ્ય માટે જાણીતો છે એટલે બન્નેના કોમ્બિનેશનથી કેવી ફિલ્મ બની તેની પ્રતિક્ષા કરો, બાકી કોમેડી શો તો છે જ!

Most Popular

To Top