Business

આવ રે વરસાદ…!

હું સુરતી પિતા તથા અમદાવાદી માતાનો પુત્ર છું, એટલે અમદાવાદીઓની મજબૂતાઈ અને સૂરતીઓની નાજૂકાઈનો સુભગ સમન્વય મારા અંદર અનુભવ છું, માનસિક રીતથી મજબૂત, અને શારીરિક રીતથી કમજોર. એટલે વરસાદની મોસમ આવે તો તાણ અનુભવાતી, જરા સરખું ભીંજાય જવાય તો શરદી થઈ જતી. પરંતુ પાછલા કેટલાક વરસોથી વરસાદમાં ભીંજાવા છતાં, તાવ- શરદીથી બચવાની જે રીત મેં અપનાવી છે તે ગુજરાતમિત્રના સુજ્ઞ વાચક વર્ગ સાથે ‘શેર’ કરી રહ્યો છું. શક્ય છે કે મારા જેવા કોઈ નમણાને કામ લાગે. અનુભવથી મને એમ જણાયું છે કે વરસાદમાં ભીંજાયા પછી, કપડાંને શરીર પર સુકાવા દેવાથી બીમાર પડી જવાય છે. જો વરસાદમાં ભીંજાયા પછી તરત કપડાં બદલી નાંખવામાં આવે, અને વાળ સુકાવી લેવામાં આવે તો જેટલું પણ ભીંજાવો કાંઈ થતું નથી.

આ અનુભવસિદ્ધ નિયમને અનુલક્ષીને હું મારા બાળકોને સલાહ આપું છું કે, બેટા! સ્કૂલે જતી વખતે ભીંજાવું નહીં, હા, શાળાથી ઘરે પાછા ફરતી વખતે વરસાદની મજા માણી લેવી. ઓફિસ, દુકાનકે કારખાને જતાં લોકોને પણ હું એજ સલાહ આપીશ કે જો ઓફિસ, દુકાન કે કારખાના જતાં હોય તો વરસાદથી બચીને જવું. અને જો ઘરે પાછા ફરતા હોવ તો વરસાદનો આનંદ જરૂર લઈ લેવો. અને જો કામના સ્થળે કપડાં બદલવાની યોગ્ય વ્યવસ્થા હોય અને એક વધારાની જોડી કામના સ્થળે પણ મૂકી રાખવામાં આવી હોય તો આવતા-જતાં બંને વખત વરસાદનો લહાવો લઈ શકાય. હવે વર્ષા ઋતુ આવે છે તો તાણ નથી અનુભવાતી, બલકે મનમાં એ પંક્તિઓ ગૂંજે છે: આવરે વરસાદ, ધેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી, અને કારેલાનું શાક.
સુરત -અબરાર અહમદ રફઅત– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top