ઘરના પ્રવેશદ્વારે-બારણે ‘ભલે પધારો’નાં તોરણો અદૃશ્ય થઈ ગયાં છે. આવો, પધારો એમ કહી આદરમાન, સન્માન આપવાની રસમ ભૂલાતી જાય છે. નવું વર્ષ આવ્યું, પણ સંબંધોનું સરવૈયું સુધારવાની કોઈને ફુરસદ નથી. વીતેલાં વર્ષમાં સારી-નરસી ઘટનાઓ સૌને યાદ છે, પણ તે ભૂલવાની છે. એમીક્રોનની ચિંતાઓ વચ્ચે નવા વર્ષને સાદાઈથી આવકાર તો આપ્યો અને ૨૦૨૧ ને બાય બાય કર્યું સાથે પરસ્પર સદ્દભાવની જાળવણી કરવા નવા વર્ષના યોગ્ય વધામણાં કરવાં પડશે.
એકમેકના જીવનમાં મીઠાશ અને મધુરતા અનુભવી શકાય તેવું વાતાવરણ સર્જવું પડશે. આજે તો સંબંધીઓ સાથે તહેવારો ઉજવવાનો કોઈ પાસે સમય નથી. જો કોઈ ઘરે આવે તો ખુલ્લા દિલથી સ્વાગત થતું નથી. વહેવાર અને ચહેરા પર બનાવટીપણું સ્પષ્ટ થાય છે. સ્વાભાવિકતા દેખાતી નથી. મહેમાન આવે ને તે જો નાનાં બાળકો હોય તો પછી તોડફોડ થાય તે ગમતું નથી. મહેમાનનું ઉષ્માસભર સ્વાગત થવું જોઈએ એ પણ થતું નથી. બસ દોડધામ અને ગળાકાપ સ્પર્ધા અને વળી ટાંટિયાંખેંચ ચાલે. સદ્દભાવ દેખાતો નથી, તે જાગવો જોઈએ. યજમાનને મહેમાન ગમતાં નથી ત્યાં અતિથિ સત્કારની વાત કેમ કરવી? સાચા યજમાન અને સારા મહેમાન બનીએ તોય ઘણું. ચાલો ઘરના આંગણામાં ‘ભલે પધારો’ની આપણી પરંપરાને જાળવી આદરમાન આપતાં શીખીએ અને ઘરમાં હસીખુશીનું વાતાવરણ જાળવીએ.
નવસારી- કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.