ભારતીય ક્રિકેટમાં ટીમના બે ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ કંઇ આજનું નથી. એ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ભૂતકાળમાં સુનિલ ગાવસ્કર અને કપિલ દેવ વચ્ચે પણ આવો જ ગજગ્રાહ ચાલતો હતો. વેસ્ટ વર્સિસ નોર્થનો ટકરાવની વાત ઘણી જૂની છે. જો કે આ વખતે ભારતીય ક્રિકેટમાં જે નવો ટકરાવ શરૂ થયો છે તેની પાછળ કેપ્ટનશિપ વિવાદ છે. તેમાં પણ વેસ્ટ વર્સિસ નોર્થ જેવી જ સ્થિતિ છે પણ વેસ્ટ તેમાં માત્ર એક મહોરું માત્ર છે. હકીકતમાં આ વિવાદ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે જામ્યો છે. આ બંનેનું વ્યક્તિત્વ એક સરખું છે. બંને આક્રમક કેપ્ટન તરીકેની ઓળખ ધરાવે છે. સૌરવ ગાંગુલી જે રીતે મેદાન પર આક્રમકતા દાખવતો હતો, તેનાથી થોડી વધુ આક્રમકતા વિરાટ મેદાન પર બતાવે છે. બંને અહમના મોટા પુતળા છે. તડ અને ફડ કરવાની ટેવ તેઓ ધરાવે છે અને તેના કારણે ક્રિકેટ વિશ્વમાં તેમના ચાહકો હોવાની સાથે તેમના વિરોધીઓ પણ એટલા જ છે.
હાલમાં વિરાટ કોહલી જે રીતે પોતાની પાસેથી વન ડે કેપ્ટનશિપ લઇ લેવાઇ તેનાથી નારાજ છે અને તેને દુખ થયું હોવાનું તેની વાણી પરથી લાગી રહ્યું છે. તેણે જે રીતે હાલમાં બીસીસીઆઇ સામે શિંગડા ભેરવ્યા છે તે રીતે ભૂતકાળમાં સૌરવ ગાંગુલી પોતે પણ બીસીસીઆઈની સામે થયો હતો. ભારતીય કેપ્ટન તરીકે ગાંગુલીના કાર્યકાળ દરમિયાન કોચ ગ્રેગ ચેપલ સાથેનો તેનો વિવાદ અને ઘર્ષણ જગજાહેર છે. 2005માં જ્યારે ઝિમ્બાબ્વેમાં ટેસ્ટ સીરિઝ જીતવા છતાં સૌરવ ગાંગુલીને કેપ્ટનપદેથી હટાવી દેવાયો હતો ત્યારે તેણે કહ્યું હતું કે મને કેપ્ટનશિપ છોડવા માટે કહેવાયું હતુ અને તે પછી દિવંગત જગમોહન દાલમિયાને બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા હતા.
અહીંથી જે રાજકારણ ક્રિકેટમાં ઘુસ્યું હતું તે હવે ઘણી બદતર સ્થિતિએ પહોંચી ગયું છે. વિરાટ કોહલીએ જે રીતે ટી-20 અને વન ડે કેપ્ટન સંબંધે ગાંગુલીના નિવેદનથી વિપરીત વાતો કરી છે તેનાથી વાત વધી પડી છે. વિરાટ કોહલી પાસેથી વન ડે કેપ્ટનશિપ લઇને રોહિત શર્માને સોંપી દેવાઇ તે પછી સૌરવ ગાંગુલીએ એવું નિવેદન કર્યું હતું કે વિરાટ કોહલીને ટી-20 કેપ્ટનશિપ ન છોડવા માટે સમજાવાયો હતો પણ તે માન્યો નહોતો અને તે પછી વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે અલગઅલગ કેપ્ટન હોવા યોગ્ય ન લાગતા રોહિતને જ ટી-20 અને વન ડે ટીમનો કેપ્ટન બનાવાયો હતો. વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિતની વરણી બાબતે વિરાટ સાથે પસંદગીકારોએ પહેલાથી જ વાત કરી હતી.
જો કે વિરાટ કોહલીએ તેનાથી વિપરીત વાત કરીને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે મને કદી પણ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવા બાબતે પુનર્વિચારણા કરવા માટે કહ્યું નથી. વિરાટે એવું કહ્યું હતું કે જે નિર્ણય કરાયો, તે બાબતે જે પણ સંવાદ થયા અને એ બાબતે જે પણ કહેવામાં આવ્યું તે ખોટું છે. તેણે કહ્યું હતું કે 8 ડિસેમ્બરે ટેસ્ટ સીરિઝની પસંદગી બેઠકના દોઢ કલાક પહેલા મારી સાથે સંપર્ક કરાયો હતો અને તેના પહેલા ટી-20 કેપ્ટનશિપ બાબતે મારા નિર્ણયની જાહેરાત પછી મારી સાથે કોઇ વાત કરવામાં આવી નથી.
કોહલીએ કહ્યું હતું કે જ્યારે મેં ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી તો ત્યારે મેં પહેલા બીસીસીઆઇનો સંપર્ક કર્યો હતો અને તેમને મારો નિર્ણય જણાવ્યો હતો, મેં તેમને કારણો જણાવીને કહ્યું હતું કે હું શા માટે ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવા માગુ છું. તે સમયે બીસીસીઆઇના પદાધિકારીઓએ મારા નિર્ણયને પ્રગતિશિલ ગણાવ્યો હતો. હવે કોહલીએ આ વાત કરીને ગાંગુલીના દાવાઓને ખોટા ઠેરવ્યા છે ત્યારે બીસીસીઆઇ માટે મુશ્કેલી એ ઊભી થઇ છે કે તે જો પોતાના તરફથી કોઇ નિવેદન બહાર પાડે તો પોતાના જ કેપ્ટનને ખોટો ઠેરવશે અને જો નિવેદન નહીં બહાર પાડે તો બીસીસીઆઇ અધ્યક્ષ સામે સવાલો ઊભા થશે.
આ ઘટનાક્રમથી એક વાત તો સાબિત થઇ ગઇ છે કે કેપ્ટન અને બોર્ડ વચ્ચે સંવાદહીનતા છે. એકતરફ સૌરવ ગાંગુલી છે, તો બીજી તરફ વિરાટ કોહલી છે, એક સમયે ગાંગુલી આક્રમક કેપ્ટન ગણાતો હતો, આજના સમયે કોહલીને આક્રમક કેપ્ટન ગણવામાં આવે છે. બંને સરખું વ્યક્તિત્વ ધરાવે છે અને બંનેનો અહમ ઘણો મોટો છે. બીસીસીઆઇ સામે સૌથી પહેલા શિંગડા ભરાવનાર ખેલાડી સૌરવ ગાંગુલી પોતે હતો અને હવે તે પોતે અધ્યક્ષ છે ત્યારે બીસીસીઆઇ સામે શિંગડા ભેરવવાનું કામ વિરાટ કોહલીએ કર્યું છે. કેપ્ટનશિપ પ્રકરણથી આ બંનેનો અહમ ટકરાયો છે અને તેમની વચ્ચેનો અહમનો આ ટકરાવ ભારતીય ક્રિકેટ માટે ઘણો નુકસાનકારક સાબિત થઇ શકે છે.
હવે મહત્વની વાત એ છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેનો ટકરાવ ભારતીય ક્રિકેટને ક્યાં લઇને જશે. જો બંને પોતપોતાના અહમને પકડી રાખશે તો તેનાથી ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થઇ શકે છે. ભારતીય ક્રિકેટને સૌથી મોટું નુકસાન તો અત્યારે એ થઇ રહ્યું છે કે રોહિત, સૌરવ અને કોહલી વચ્ચેના આ ટકરાવથી ટીમના મનોબળ પર તેની ભૂંડી અસર પડશે અને જો આ ઘર્ષણ લાંબુ ચાલશે તો બની શકે કે ટીમમાં જે જીતવાનું જોમ અને જુસ્સો આવ્યા છે તે ધીરે ધીરે ક્ષીણ બની જાય અને તેનાથી વિદેશમાં જીતવાની જે પરંપરા ટીમે કેળવી છે તે પણ જતી રહેશે.