National

અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોલેજિયમની ચર્ચાને જાહેર કરી શકાય નહીં: સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય અને તે માટેનો ઠરાવ પસાર ન થાય જેના પર ટોચના અદાલતની કોલેજિયમના તમામ સભ્યોની સહી હોય ત્યાં સુધી તે કોઈ પણ માહિતી (Detail) જાહેરમાં અથવા માહિતીની હકના કાયદા (આરટીઆઈ) હેઠળ રજૂ કરી શકે નહીં. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે યોગ્ય વિચાર-વિમર્શ બાદ કોલેજિયમના સભ્યો દ્વારા ઠરાવ તૈયાર કરવામાં આવે અને તેના પર સહી (Signature) કર્યા બાદ જ નિર્ણયને અંતિમ ગણવામાં આવે છે અને ત્યાં સુધી તે ‘અસ્થાયી નિર્ણય’ રહે છે. જસ્ટિસ એમ આર શાહ અને સી ટી રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે કોલેજિયમ બહુ-સભ્ય સંસ્થા છે જેનો નિર્ણય ઠરાવમાં મૂકવામાં આવે છે જેને ઔપચારીક રીતે રજૂ કરવામાં અને સહી કરવમાં આવે છે.

ઠરાવ પસાર ન થાય ત્યાં સુધી અંતિમ નિર્ણય ન કહેવાય
‘એવી નોંધ લેવામાં આવી છે કે જરૂરી ચર્ચા અને વિચાર બાદ અને સલાહની પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ્યારે અંતિમ નિર્ણય લેવામાં આવે છે અને ત્યારબાદ ઠરાવ રજૂ કરવામાં આવે છે અને તેના પર કોલેજિયમના સભ્યો દ્વારા સહી કરવામાં આવે છે ત્યારબાદ તેને અંતિમ નિર્ણય કહી શકાય છે ત્યાં સુધી તે ‘અસ્થાયી નિર્ણય’ રહે છે’, એમ બેન્ચે કહ્યું હતું.

ચળવળકારે ટોચની અદાલતની કોલેજિયમની બેઠકનો એજેન્ડા માગ્યો હતો
આરટીઆઈ ચળવળકાર અંજલિ ભારદ્વાજે દિલ્હી ઉચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી 12 ડિસેમ્બર, 2018ના રોજ સર્વોચ્ચ અદાલતની કોલેજિયમની થયેલી બેઠકનો એજેન્ડા જાણવા માગ્યો હતો જેમાં કથિત રીતે અમુક જજોને સર્વોચ્ચ અદાલતમાં બઢતીના નિર્ણયો લેવામાં આવ્યા હતા, ઉચ્ચ અદાલતે તેમની અરજી નામંજૂર કરી હતી અદાલતના આ ચુકાદાને તેમણે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ આદેશ પસાર કર્યો હતો અને તેની અરજી નામંજૂર કરી હતી.

અદાલતે કહ્યું હતું કે અરજીમાં કહેવામાં આવ્યું છે કે મીડિયામાં પ્રકાશિત થયેલા કેટલાક લેખ અને 12 ડિસેમ્બર, 2018 ના રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં ભાગ લેનાર એક સભ્ય દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુ પર આધાર રાખીને, અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં ઉચ્ચ અદાલતના બે મુખ્ય ન્યાયાધીશોની સર્વોચ્ચ અદાલતમાં બઢતી પર કોલેજિયમ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો
બેન્ચે કહ્યું હતું ‘શક્ય છે અમુક ચર્ચાઓ કરવામાં આવી હતી. પણ એક અંતિમ નિર્ણય લેવામાં ન આવે અને અંતિમ ઠરાવ રજૂ કરવામાં ન આવે તેને કોલેજિયમનો અંતિમ નિર્ણય કહી શકાય નહીં. 10 જાન્યુઆરી 2019ના ઠરાવમાં કહેવાયું છે કે 12 ડિસેમ્બર, 2018ના રોજ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હતો ત્યારે તે ચર્ચાને જાહેર કરવાની કોઈ જરૂર નથી.’

Most Popular

To Top