Dakshin Gujarat

સુરતના બે યુવાનોનો ઓનલાઈન કપડાનો વેપાર સારો નહીં ચાલતા ગાંજાનો વેપાર કરવા લાગ્યા અને..

નવસારી: (Navsari) અઢી મહિના પહેલા નવસારીમાંથી ઝડપાયેલા ગાંજાના (Ganja) મુખ્ય 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ડાર્ક વેબ પરથી ઓનલાઈન ગાંજો મંગાવી કોલેજીયનોને વેચતા હતા. જ્યારે કોલેજીયનો પોતાના શોખ પુરા કરવા માટે ભાવ વધારી ગાંજો અન્યોને વેચતા હોવાનો ખુલાસો થયો છે.

  • કોલેજીયનો પોતાના શોખ પુરા કરવા માટે ભાવ વધારી અન્યોને ગાંજો વેચતા હતા
  • નવસારીમાંથી અઢી મહિના પહેલા ઝડપાયેલા ગાંજાના મુખ્ય 2 આરોપી ફરી ઝડપાયા
  • આરોપીઓ ડાર્ક વેબ પરથી ઓનલાઈન ગાંજો મંગાવી કોલેજીયનનો વેચતા હતા

મળતી માહિતી મુજબ, અઢી મહિના પહેલા નવસારી સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીના આધારે નવસારીમાંથી હાઈબ્રીડ ગાંજા બુંબાકુશ સાથે સુરતના રહેતા સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકો, નવસારીમાં રહેતા રાહુલ જાની અને આકાશ આહીરની ધરપકડ કરી રિમાંડ મેળવ્યા હતા. જે રિમાંડ દરમિયાન વિવેક ભરવાડનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે વિવેક ભરવાડની તપાસ કરી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે વિવેક ભરવાડની પૂછપરછ કરતા આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો સુરતના ઉમંગ અગ્રવાલ નામના ઇસમ પાસેથી લાવતો હતો. ત્યારબાદ પોલીસે ઉમંગની તપાસ કરી પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા હાઈબ્રીડ ગાંજો નવસારીમાં ગાંજો વેચવા માટે સેમ, આકાશ, રાહુલ અને વિવેકને વેચતો હોવાનું કબુલ્યું હતું. જોકે હાલ પોલીસે ઉમંગના રિમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સુરત ખાતે રહેતા સેમ અને વિવેક બંને મિત્રો છે. સેમ અને વિવેકનો ઓનલાઈન કપડાનો વેપાર વધુ સારો ન ચાલતા તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાતા ગાંજાનો વેપાર કરવા લાગ્યા હતા. તેઓ ડાર્ક વેબ મારફતે ગાંજો મંગાવતા હતા. જે ગાંજો ઓનલાઈન મંગાવતા રમકડાની આડમાં ગાંજાની ડીલવરી કરવામાં આવતી હતી. આ બાબતે પોલીસે ડાર્ક વેબની વેબસાઇટની યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી આગળની વધુ તપાસ માટે સાયબર એક્સપર્ટ ટીમની મદદ લેવામાં આવી છે. સાથે જ પોલીસ તપાસ દરમિયાન નવસારી જિલ્લામાં હમણાં સુધીમાં ૩૦ લાખ રૂપિયાનો ગાંજો વેચવામાં આવ્યો છે. ઉમંગ બે લાખ રૂપિયામાં ગાંજો મંગાવી થોડો ગાંજો પોતાના ઉપયોગ માટે કાઢી લેતો હતો. અને બીજો ગાંજો ઉમંગ વિવેક ભરવાડને અઢી લાખ રૂપિયામાં વેચતો હતો. ત્યારબાદ વિવેક ભાવ વધારી ગાંજો સેમ, આકાશ અને રાહુલને આપતા હતા. જેથી ત્રણેય જણા ઊંચા ભાવે અન્ય લોકોને ગાંજો વેચતા હતા. આ બાબતે નવસારી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

નવસારીમાં 17થી વધુ લોકોને ગાંજો વેચ્યો હતો
નવસારી : ઉમંગ, વિવેક, સેમ, રાહુલ અને આકાશે નવસારીમાં 17થી વધુ યુવાનોને ગાંજો વેચ્યો હતો. જેથી પોલીસે આ તમામની પૂછપરછ કરી ગાંજો વેચાણ કરેલા યુવાનોના નામ અને સરનામા મેળવ્યા હતા. જેથી પોલીસે ગાંજાનું સેવન કરતા યુવાનોના માતા-પિતાને બોલાવી ગાંજાનું સેવન ન કરે તેના માટે સમજણ આપી હતી.

Most Popular

To Top