Vadodara

માથુ ઉચકી રહેલા ભુમાફિયાઓને કલેકટરની લપડાક: લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઇ ફરિયાદ

વડોદરા: વડોદરા જિલ્લામાં આવેલી સરકારી જમીનો ઉપર ગેરકાયદે દબાણ કરનારા ભૂમાફિયા તત્વો સામે કલેક્ટર શ્રી અતુલ ગોરે લાલ આંખ કરી છે. સાવલી તાલુકામાં સરકારી ખરાબાને ખેડીને દબાણ કરનારા એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવાની સાથે ત્યાંથી કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી ફરિયાદને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી અધિકારીઓની ફેરણી દરમિયાન એવું ધ્યાને આવ્યું હતું કે, સાવલી તાલુકાના ગુલાબપૂરા ગામના સર્વે નંબર 28 અને 30ની સરકારી ખરાબાની જમીન ઉપર કોઇ વ્યક્તિએ ખેડીને દબાણ કર્યું છે.

આ દબાણ કુલ પાંચ હેક્ટર એટલે કે, અંદાજે 50 હજાર ચોરસ મિટર જમીનમાં દબાણ થયું હતું.પ્રાંત અધિકારીની કચેરી દ્વારા સરકારી ખરાબાની આ બહુ કિંમતી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા માટે રેવન્યુ રેકર્ડની તપાસણી કરવામાં આવી હતી અને આધાર સાથે આ સરકારી જમીન હોવાનું ફલિત થતાં જમીન ખુલ્લી કરાવવા માટે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કેસ મૂકવામાં આવ્યો હતો.આ બાબતને ધ્યાને લઇ કલેક્ટર અતુલ ગોરે સરકારી જમીન ઉપર કબ્જો કરનારા તત્વ સામે કાયદાનો કોરડો વિંઝી પોલિસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

જેના પગલે સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનારી વ્યક્તિ સામે સાવલી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના પગલે પોલીસે ભૂમાફિયાની ધરપકડ કરી લીધી છે.એ દરમિયાન, કલેક્ટરે આપેલા આદેશના પગલે પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશીએ ઉક્ત સરકારી ખરાબાની જમીન ઉપર થયેલા નાના મોટાદબાણો દૂર કરી તેને ખુલ્લી કરાવી હતી. સરકારી ખરાબાની આ પાંચ હેક્ટર જમીનની બજાર કિંમત કરોડો રૂપિયા થવા જાય છે.બીજી તરફ, કલેક્ટરે જિલ્લાના મહેસુલી અધિકારીઓને સરકારી જમીન ઉપર કબ્જો જમાવી બેઠેલા ભૂમાફિયાઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી છે. સરકારી જમીન ઉપર દબાણ કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થાય તો તેમાં 10 વર્ષની સજાનું પ્રાવધાન છે.

Most Popular

To Top