SURAT

ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ

સુરત : ટ્રાફિક અને દબાણના મુદ્દે સતત વિવાદમાં રહેતું ચૌટાબજાર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં અન્ય વિસ્તારમાં રહેતા એક વિધર્મી અને તેનો પુત્ર રસ્તા ઉપર એક લારી ઊભી રાખવા માટે મહિને રૂપિયા 23 હજાર ઉઘરાવતો હોવાની વાત ફેલાતા અહીં રહેતા મૂળ ચૌટાબજારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વકરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને પોલીસ છેલ્લા ચાર દિવસથી વહેલી સવારથી જ ચૌટાબજારમાં આવી જતી હોવાથી હાલ પૂરતો ફેરિયાઓનો ત્રાસ દૂર થઇ ગયો છે.

  • મહિને 23 હજાર માંગતા વિધર્મી સામે રોષ
  • વિવાદ વકરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો
  • ચાર દિવસથી પોલીસ ચૌટામાંથી ફેરિયાઓનો ત્રાસ દૂર કરી રહી છે

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ચૌટાબજારમાં ભટ્ટ હોસ્પિટલની પાસે પહેલા એક વિધર્મી ફેરિયો ઊભો રહેતો હતો અને ત્યાં ચીજવસ્તુઓ વેચીને તેનું ગુજરાન ચલાવતો હતો. ત્યાં સુધી સ્થાનિકોને કોઇ વાંધો કે વિરોધ ન હતો. પરંતુ અન્ય વિસ્તારમાં રહેતા આ વિધર્મી અને તેના પુત્રએ ત્યાં ધંધો બંધ કરી દીધો છે અને તે જગ્યાએ અન્ય કોઇને ઊભો રાખ્યો છે.

તે વ્યક્તિ પાસે તે દરમહિને 23 હજાર રૂપિયા માંગે છે તેની જાણ થતાં સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે. તેમની દલીલ છે કે રસ્તો સુરત મહાનગર પાલિકાનો છે તો તેના માટે કોઇ ભાડું કેવી રીતે ઊઘરાવી શકે અને તેમની બીજી દલીલ એ છે કે તે જાતે ઊભો રહીને અહીં ધંધો કરતો હોય તેની સામે વાંધો નથી.

આ વિવાદ વરકતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને પોલીસની કાર્યવાહીના કારણે છેલ્લા ચાર દિવસથી ચૌટામાંથી ફરિયાઓ ગાયબ થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૌટાબજારમાં પહેલા ચૌટાબજારના સ્થાનિકો જ નાની નાની છાબ લગાડીને પેટિયું રળતા હતા પરંતુ હવે અન્ય વિસ્તારના લોકો અહીં કબજો કરીને ભાડુ ઉઘરાવવા લાગતા મામલો બીચક્યો છે.

Most Popular

To Top