ગાંધીનગર: રાજ્યમાં આજથી ફરી ઠંડીનો (Cold) માહોલ જામશે. આ વખતે ઉત્તરાયણમાં (Uttarayana) પતંગ રસિકોએ સ્વેટર પહેરી તહેવારની ઉજવણી કરવી પડશે કારણ કે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં ઠંડીનો માહોલ રહી શકે છે. રાજ્યમાં ગુરુવારથી રાત્રે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. પરંતુ શુક્રવારથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાય શકે છે. તાપમાનના પારામાં ઘટાડો થતા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ સાથે હવામાન વિભાગે કચ્છમાં 14-15 જાન્યુઆરીએ કોલ્ડવેવની (Cold Wave) આગાહી વ્યક્ત કરી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે.
ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 14-15 જાન્યુઆરીના રોજ નલિયામાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ ગુરુવારે વડોદરામાં ઠંડીનો પારો 14.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલસાડની વાત કરીએ તો સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર નલિયામાં ઠંડીનો પારો 14.8 ડિગ્રી પર પહોંચ્યા હતો. આ સિવાય સુરત સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યું હતું. તેમજ ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, મહુવામાં 16.3 ડિગ્રી, પોરબંદર, અમદાવાદ અને સંઘ પ્રદેશ દિવમાં ઠંડીનો પારો 17 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું.
ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં તામપાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ સુધી કોલ્ડવેવની આગાહી જાહેક કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં દિલ્હી સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આ સિઝનની સૌથી ખરાબ ઠંડીનો એટેક પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 15 જાન્યુઆરીથી તાપમાનમાં અચાનક તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે, તેથી કોલ્ડવેવની ખતરનાક સ્થિતિ બની શકે છે. આ સાથે અત્યંત ગાઢ ધુમ્મસના કારણે લોકોના જીવન પર ભારી અસર પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 20 જાન્યુઆરી સુધી ચાલનારી આ મુશ્કેલીમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જવાનો ભય છે. દિલ્હી સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર ધુમ્મસ છવાઈ ગયું હતું. ઘણા શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય મીટર થઈ ગઈ હતી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો ફરી એક વખત ધુમ્મસના ભય હેઠળ છે. હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં દિલ્હી અને તેની આસપાસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આશંકા છે કે ટૂંક સમયમાં આ રાહત મુશ્કેલીમાં ફેરવાઈ જશે.