ગાંધીનગર: ઉત્તર-પૂર્વીય-પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને ગુજરાતના કચ્છમાં આજે સતત બીજા દિવસે પણ નલિયામાં 7 ડિગ્રી ઠંડીનો નોંધાવવા પામી હતી. નલિયાવાસીઓ આજે 7 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા. હજુયે આગામી પાંચ દિવસ દરમ્યાન રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
સૌરાષ્ટ્ર – કચ્છમાં સામાન્ય કરતાં અત્યંત નીચું તાપમાન નોંધાવવા સાથે કચ્છમાં ઠંડીનો ધ્રુજારો વધી જવા પામ્યો છે. આજે મંગળવારે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં ઠંડીનો પારો અચાનક નીચે ગગડી જવા સાથે 7 ડિગ્રીએ પહોચી ગયો હતો. આગામી પાંચ દિવસ સુધી રાજયમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ રહેવાનો છે. જેના પગલે ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , હવે પાંચ દિવસ દરમ્યાન રાજયમાં કાતિલ ઠંડી અનુભવાશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો. હવામાન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, રાજયમાં આજે રવિવારે અન્ય શહેરો પૈકી ભૂજમાં 11 ડિ.સે.,નલિયામાં 7 ડિ.સે., કંડલા પોર્ટ પર 14 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 11 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 11 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે.,મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 12 ડિ.સે., અમદાવાદમાં 13 ડિ.સે.,ડીસામાં 11 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે.,વડોદરામાં 14 ડિ.સે.,અને સુરતમાં 15 ડિ.સે. અને દમણમાં 19 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.